અમદાવાદ: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આજે મંગળવારે અમદાવાદના વલ્લભ સદન ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા માનવ સાંકળ બનાવીને વિરોધ કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં વિવિધ હિન્દુ સંગઠનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.
તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાની માગ કરાઈ છે. સાથે જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને જલ્દી રોકવામાં આવે તેવી માગ ઊઠી છે. અમદાવાદના જમાલુપરમાં આવેલા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજે કહ્યું કે, બાંગ્લાદેશમાં જે સ્થિતિ થઈ એ યોગ્ય બાબત નથી. બાંગ્લાદેશ જેવા નાના લઘુમતી દેશમાં આવી ઘટના સ્વીકારી ન શકાય. કેન્દ્ર સરકારને ચિન્મય સ્વામીને મુક્ત કરવામાં આવે તે માટે મધ્યસ્થી કરવા માટે અમારી માગ છે. ત્યાં જે બની રહ્યું છે, તે ન થવું જોઈએ. સૌ એક છે, શાંતિની સ્થાપના થાય એ જરૂરી છે.
RSS ના સર કાર્યવાહ ભાનુભાઈ ચૌહાણે કહ્યું કે, 'કટ્ટરપંથીઓ દ્વારા થઈ રહેલ અત્યાચાર બંધ થવો જોઈએ. શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ઇસ્કોનના ચિન્મનસ્વામીની ધરપકડ યોગ્ય નથી. RSS ભારત સરકારને અપીલ કરે છે કે બાંગ્લાદેશમાં હિન્દુ અને અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચાર બંધ કરાવા માટે જલદી અને યોગ્ય પગલા લે.'
આ દરમિયાન ગુજરાત પ્રાંતના સંઘચાલક ભરત પટેલે કહ્યું કે, 'માનવ અધિકાર દિવસે માનવ અધિકારીઓની દુહાઈ આપવામાં આવે છે, પણ સ્થિતિ અલગ છે. કર્તવ્ય પાલન કરવું પડશે, બાંગ્લાદેશમાં જઈ શકવાના નથી પણ અહીં રહીને ત્યાંના હિન્દુઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવાની છે. દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, જેનું પરિણામ મળવાનું જ છે.'
ભાડજ મંદિરના હરિકૃષ્ણદાસજી મહારાજે કહ્યું કે, 'છેલ્લા અમુક મહિના નહીં પણ બાંગ્લાદેશમાં ઘણા વર્ષોથી મંદિરો પર હુમલા થાય છે. ત્યાં સંતોની હત્યા કરવામાં આવે છે. બાંગ્લાદેશમાં સાધુ-સંતો અને હિન્દુ સમાજને ન્યાય મળે તેવી માગ છે. આ અંગે કડક પગલા લેવા માટે કેન્દ્ર સરકારને અનુરોધ કરીએ છીએ.'
આ પણ વાંચો: