અમદાવાદ : એક સમયનું દેશનું માન્ચેસ્ટર કહેવાતું અને અત્યારે ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની એવા અમદાવાદ શહેરમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સાંસ્કૃતિક અને કલાત્મક કાર્યક્રમો બાદ હવે વિદેશની જેમ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. આ અંગે ગુજરાત સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ સંયુક્ત પણે જાહેરાત કરી છે.
ક્યારે અને ક્યાં યોજાશે શોપીંગ ફેસ્ટિવલ ? વિદેશની જેમ અમદાવાદમાં પણ હવે શોપિંગ ફેસ્ટિવલ યોજાશે, જેનો સીધો લાભ અમદાવાદવાસીઓ, વ્યાપારીઓ અને કલાકારોને મળશે. ગુજરાત સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા આ શોપિંગ ફેસ્ટિવલનું સંયુક્ત રીતે આયોજન કરવા જઈ રહી છે. આગામી 12 ઓક્ટોબરથી 14 જાન્યુઆરી સુધી આ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. જેમાં અમદાવાદના પશ્ચિમમાં સિંધુ ભવન અને CG રોડ તથા પૂર્વમાં નિકોલ અને કાંકરિયા વિસ્તારમાં શોપિંગ ફેસ્ટિવલ માટેનું આયોજન કરવામાં આવશે.
GST માં પણ ડિસ્કાઉન્ટ : હાલમાં લોકો ઓફર અને ડિસ્કાઉન્ટ પાછળ દોડતા હોય છે, ત્યારે આ શોપિંગ ફેસ્ટિવલમાં GST માં પણ ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે જ જે સ્થળો શોપિંગ ફેસ્ટિવલ માટે સ્થળો નક્કી કર્યા છે, ત્યાં મોડા સુધી AMTS બસની સુવિધા પણ આપવામાં આવશે.
ફિલ્મ કલાકારો કરશે પ્રમોશન : અઠવાડિયાના છેલ્લા 3 દિવસ એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે લોકોને આકર્ષિત કરવા માટે બુક ફેર અને ફ્લાવર શો સહિતના વિવિધ શોનું આયોજન પણ કરવામાં આવશે. સાથે-સાથે શોપિંગ ફેસ્ટિવલના પ્રમોશન માટે ગુજરાતી ફિલ્મ કલાકારો, સ્ટાર ઓલમ્પિકમાં પદક વિજેતાઓને પણ બોલવાનું આયોજન કરવામાં આવ્યું છે.