અમદાવાદ : સતત બે દિવસથી અમદાવાદ શહેરમાં વાદળથી ઘટાટોપ અંધાર છવાયેલો રહ્યો અને સતત પડતા વરસાદે અમદાવાદને પાણીથી તરબોળ કરી દીધું છે. આમ તો શુક્રવારથી આરંભાયેલ વરસાદ જન્માષ્ટમી પર્વની સવારથી વધુ પ્રમાણમાં ખાબક્યો છે.
અમદાવાદ જળબંબાકાર : આજે સવારથી શરુ થયેલા સતત વરસાદના કારણે શહેરના મીઠાખળી, અખબારનગર, વેજલપુર સહિતના અંડરપાસ બંધ કરવા પડ્યા છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકોના વાહન રોડ પર અટકી પડ્યા છે. શહેરમાં રોડ પર પાણી ભરાવાના અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે.
વૃક્ષો અને બેનરો ધરાશાયી : ભારે પવન સાથે ફૂંકાયેલા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં વૃક્ષો અને બેનરો ધરાશાયી થવાના બનાવ બન્યા છે. જેમાં આશ્રમ રોડ પર નહેરુ બ્રિજ પાસે તથા એસજી હાઈવે પર ઇસ્કોન ક્રોસ રોડ નજીક વૃક્ષો ધરાશાયી થવાના બનાવ નોંધાયા છે.
આંબાવાડીમાં દુર્ઘટના : નહેરુનગર ચાર રસ્તા નજીક સ્થિત ઓજસ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની ગેલેરી સવારે તૂટી પડી હતી. જોકે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ તંત્ર દોડતું થયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે.
સાણંદમાં 150 લોકોનું સ્થળાંતર : ભારે વરસાદને કારણે ગતરાત્રે અમદાવાદ જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. સાણંદ તાલુકાના રૂપાવટી ગામે ખેતરમાં રહેતા વાદી સમુદાયના 150 જેટલા નાગરિકો ફસાયા હતા. રૂપાવટી ગામના વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકોને તાત્કાલિક સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. ટ્રેક્ટરની મદદથી નાગરિકો ઉપરાંત તેમના પશુધન અને ઘરવખરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક શાળાઓમાં રજા : અમદાવાદમાં ભારે વરસાદને પગલે પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે.