અમદાવાદ: નવરાત્રિના તહેવારમાં અમદાવાદ પોલીસ ખડેપગે જોવા મળી રહી છે. તહેવારને ધ્યાને રાખીને રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્રગ્સ કે માદક દ્રવ્યોના વ્યસન કરીને ઘૂમતા હોવાથી અમદાવાદમાં વિવિધ 20 સ્થળોએ પોલીસ દ્વારા રાત્રિના સમયે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસની SOS ટીમ, ક્રાઇમ બ્રાન્ચ, મહિલા ક્રાઇમ સહિતની એજન્સીઓ દ્વારા અમદાવાદ શહેમાં શાંતિ અને સલામતી સ્થાયી બને તેમજ ડ્રગ કે માદક દ્રવ્યોના વ્યસન કરીને નવરાત્રિના પાવન તહેવારમાં ખલેલ પહોંચાડનારા તત્વોને ડામવા માટે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
મોબાઈલ ડ્રગ એનાલાઈઝર કીટ દ્વારા ચેકીંગ: અમદાવાદ પોલીસ અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોબાઈલ ડ્રગ એનાલાઈઝર કીટ દ્વારા આ ચેકીંગ કરી રહી છે. આ કીટ દ્વારા જેતે વ્યક્તિની લાળનું સેમ્પલ લઈને તાત્કાલિક કયાં ડ્રગનું અને કેટલા પ્રમાણમાં વ્યસન કર્યું છે તે ખબર પાડી શકાશે.
કયાં કયાં સ્થળોએ ડ્રાઇવ ચાલશે ? : અમદાવાદ શહેરના રાત્રિના સમયે ધમધમતા વિસ્તારો જેવા કે એસ.જી. હાઇવે, સિંધુ ભવન રોડ, પકવાન સર્કલ સહિતના 20 થી વધુ વિસ્તારોમાં આ મેગા ડ્રગ ડ્રાઇવ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં શંકાસ્પદ દેખાતા ફોર વ્હીલર, ટુ વ્હીલર સહિતના વાહનો ઊભા રાખીને ગાડીનું ચેકીંગ કરવામાં આવશે. સાથે વાહનમાં સવાર લોકોના લાળના સેમ્પલ લઈને તેનું સ્થળ પર જ ચેકીંગ કરવામાં આવશે.
20 જેટલા વિસ્તારોમાં ચેકિંગ: અમદાવાદ I ડિવિઝનના ACP એન.એલ. દેસાઈ દ્વારા આ મુદ્દે જણાવવામાં આવ્યું હતું કે, નવરાત્રિના તહેવાર દરમિયાન રાત્રિના સમયે ડ્રગના વ્યસન કરીને ઘૂમતા તત્વોને ડામવા માટે અમદાવાદ પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા આ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. નશાની હાલતમાં ઘૂમતા અને એક્સિડન્ટ કરી બેસતા પોતાની સાથે બીજાના જીવને જોખમમાં મૂકતા તત્વો માટે અમદાવાદ પોલીસ દ્વારા શહેરના 20 જેટલા વિસ્તારોમાં આ ચેકિંગ કરવામાં આવશે.
મહિલાઓની સલામતી માટે SHE ટીમ સિવિલ ડ્રેસમાં: આમ અમદાવાદ પોલીસ દ્વારા એક તરફ મહિલાઓની સલામતી માટે SHE ટીમ સિવિલ ડ્રેસમાં સમાન્ય લોકોની જેમ ગરબાના તાલે ઘૂમતા-ઘૂમતા અસામાજિક તત્વોને ડામવા મેદાને આવી છે ત્યારે હવે ડ્રગ જેવા દુષણના વ્યસન કરતા તત્વોને ડામવા અને શહેરમાં શાંતિ કાયમ કરવા માટે આ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: