અમદાવાદ: ગુજરાત સહિત સંપૂર્ણ દેશભરમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. લોકોએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લીધો હતો. મતદારોએ પણ તેમના મનપસંદ ઉમેદવારોને ભરી ભરીને મત આપ્યા, તેથી ભવિષ્યમાં જે સાંસદ જીતશે તેમના સામે જનતા પોતાની શું સમસ્યાઓ જણાવી રહી છે, ચાલો જાણીએ.
રસ્તા હજી પણ ખુબ ખરાબ હાલતમાં: અમદાવાદ દિવસે ને દિવસે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ત્યારે હજી કેટલીય સમસ્યાઓ છે, જે યથાવત છે. જેને લઇ એક સ્થાનિકે જણાવ્યું કે, "અમદાવાદમાં વિકાસ તો ઘણો થયો છે, પરંતુ એની સાથે રોડ રસ્તા હજી પણ ખુબ ખરાબ હાલતમાં છે. છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી.
પ્રિ-મોન્સુનની પ્લાનિંગ: તેમણે સમસ્યાઓ વિશે આગળ જણાવતા કહ્યું કે, દર વખતે ચોમાસા પહેલા પ્રિ-મોન્સુનની પ્લાનિંગ તો કરવામાં આવે છે, પરંતુ તે સફળ રહેતી નથી. વરસાદ પડતાં જ જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. તેથી આ સમસ્થાને દૂર કરવા યોગ્ય પગલાં લેવા જોઈએ. જેથી પાણી ભરવાની સમસ્યાથી છુટકારો મળે.
પહેલાથી ધ્યાન કેમ નથી રાખતા: વધુમાં એક મતદારે રાજકોટ ગેમઝોન ઘટના મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓ બનવી ન જોઈએ. આરોપીઓ સામે કાયદેસરના પગલા લેવા જોઈએ. દર વખતે કોઈ દુર્ઘટના બને પછી જ તંત્ર અને બધા લોકો જાગે છે. પહેલાથી ધ્યાન કેમ નથી રાખતા. અમદાવાદમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પહેલાથી જ તંત્ર દ્વારા બધી જ કામગીરીની ચકાસણી કરવી જોઈએ અને પછી મંજૂરી આપવી જોઈએ.
વહીવટમાં પારદર્શિતા નથી: એક અન્ય મતદારે સરકારના કામોમાં ભ્રષ્ટાચારને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમને જણાવ્યું કે. "વહીવટમાં કોઈ પારદર્શિતા નથી. આડેધડ કામોને મંજૂરી આપી દેવામાં આવે છે. આ બધો જ ભ્રષ્ટાચાર બંધ કરવો જોઈએ."