અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. બ્રિજ માટે સતત ત્રણ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જોકે આ ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળતા મળ્યા બાદ ચોથી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને છેવટે તેમાં સફળતા મળી છે. બ્રિજને તોડી નવો બનવવા માટે ચોથી વખત ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે જે ટેન્ડર સિંગલ બિડર દ્વારા ભરાયું હતું, અને રાજસ્થાનની વિષ્ણુ પ્રસાદ આર. તંગાલિયા દ્વારા બીડ કરવામાં આવ્યું છે.

હાટકેશ્વર બ્રિજ ગણતરીના વર્ષોમાં જ બિનઉપયોગી: 40 કરોડ રૂપિયાથી વધુની રકમના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ ગણતરીના વર્ષોમાં જ બિનઉપયોગી બની ગયો છે. બ્રિજ પર પડેલા ગાબડાંના લીધે જોખમી સ્થિતિ સર્જાતાં આ બ્રિજ વાહન વ્યવહાર માટે ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આયો છે બ્રિજ પર લોકો હવે પોતાના વાહનો પાર્ક કરી રહ્યા છે. 42 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તોડીને નવો બનાવવા માટે વારંવાર ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કામગીરી કરવા માટે કોઈ કોન્ટ્રાકટર તૈયાર થતા ન હતા ત્યારે કૉર્પોરેશન દ્વારા ચોથી વખત બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં રાજસ્થાનની એક પાર્ટીએ જ ટેન્ડર ભર્યું છે અને આ ટેન્ડર ક્વોલિફાઈ થઈ ગયું છે.

કેસ હજુ કોર્ટમાં પડતર છે: જ્યારે આ મામલે સત્તાવાર બાઈટ લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ, સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલાનો સંપર્ક કર્યો ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, હાટકેશ્વર બ્રિજની ઘટના સબ જ્યુડિશિયલ મેટર હોવાથી તેઓ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન ન આપી શકે.

પૂર્વ વિસ્તાર સાથે સરકાર ઓરમાય ભર્યું વર્તન કરે છે: અમદાવાદ શહેર ખોખરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસ જણાવે છે કે, સરકાર પૂર્વ વિસ્તાર સાથે ઓરમાય ભર્યું વર્તન કરી રહી છે. આવી જ ઘટના જો પશ્ચિમ વિસ્તારમાં બની હોય તો પરિસ્થિતી કઈક અલગ હોત. વધુમાં તેમણે જણાવ્યું કે, આ બ્રિજ બનાવવાની કામગીરી 2015 માં શરૂ કરવામાં આવી હતી અને 2017 માં ખુલ્લો મૂકવામાં આવ્યો, પરંતુ 2018 આવતા તો ભ્રષ્ટાચારના રંગે રંગાયેલ આ હાટકેશ્વર બ્રીજમાં ગાબડા પાડવા મળ્યા અનેક રજૂઆતો બાદ છેવટે 2022 માં બંધ કરી દેવો પડ્યો હતો.
'સરકારને લોકોના જીવનની કોઈ પડી જ ન હોય તેવી રીતે સરકાર વર્તન કરી રહી છે આ બ્રિજ જો પડે તો મોરબી ઝુલતા પુલ કરતા પણ ગંભીર ઘટના બની શકે છે.' - ખોખરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસ
વ્યાપારીઓને 70% ની ખોટ પડે છે: ત્યારે વ્યાપારી એસોસિએશનના રાજેશભાઇ વાત કરે છે કે, આ બ્રીજ અહિ બનાવવો જ ન હતો, અત્યારે બ્રીજ બંધ છે અને બંને બાજુ સાંકળા રસ્તા છે તો પણ ટ્રાફિક નીકળી જાય છે જો આ બ્રિજ ન બનાવ્યો હોય તો કોઈ પ્રશ્ન જ ન હતો. ત્યારે ખોખરા વોર્ડના પ્રેસિડેન્ટ રમિન્દ્રસિંહ બગ્ગા જણાવે છે કે, બધા કરતા વેપારીઓને મોટું નુક્સાન થાય છે તેમની આખી દુકાનો ઢંકાઈ જાય છે. તો સ્થાનિક દુકાનદાર પંકજ સથવાની જણાવે છે કે તેમને આ બ્રીજના કારણે વ્યાપારમાં 70 % જેટલું નુકસાન વેઠવું પડે છે.

બ્રિજ નીચેથી નીકળતા ડર લાગે છે: તો બીજી બાજુ રાકેશ આહુજા અને મહેન્દ્ર બીજવા જેવા સ્થાનિકો જણાવે છે કે, જ્યારે જ્યારે બ્રિજ નીચેથી નીકળીએ ડર લાગે છે કે કોઈ દુર્ઘટના ન બને અને જ્યારે વરસાદ આવે ત્યારે તો આખો વિસ્તાર સમુદ્ર બની જાય છે સોસાયટીઓમાં પણ પાણી ઘુસી જાય છે. તેઓ કહે છે કે આ વિકાસ નથી આ ડર છે.

2015 માં અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ જતા રોડ ઉપર 132 ફૂટ રીંગ રોડ જંકશન ઉપર હાટકેશ્વર ફ્લાવર બ્રિજની કામગીરીનો કોન્ટ્રાક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપવામાં આવ્યો હતો. 2015માં આ કામગીરી શરૂ કરી 2017 માં આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. અગત્યની વાત તો એ છે કે 42 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજની ડિફેક્ટ લાયબિલિટી માત્ર 1 વર્ષની જ રાખવામાં આવી હતી એ 2018 માં તો પૂર્ણ પણ થઈ ગઈ હતી.
થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર બ્રિજ ઉપર એવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા કે, 'AMC મને હટાવો, હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, હું થાકી ગયો છું, હું ક્યાં સુધી નડીશ.'
આમ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હાટકેશ્વર બ્રિજ એટલે ભ્રષ્ટાચારનું સર્વોત્તમ ઉદાહરણ થોડા સમયમાં જમીનદોસ્ત કરવામાં આવશે. ત્યારે એક ગુજરાતી કહેવત 'ઘાટ કરતા ઘડામણ મોંઘું' અહીં લાગુ પડતી હોય તેવું લાગે છે. કેમકે અંદાજિત 42 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ હવે 52 કરોડના ખર્ચે તોડવામાં આવશે.
આ પણ વાંચો: