અમદાવાદ: વર્ષ 2022 અને માર્ચ મહિનાની 24 તારીખ, જ્યારે રાજામૌલીની ખૂબ રાહ જોવાતી ફિલ્મ 'RRR' રિલીઝ થઈ અને લોકોના દિલમાં છવાઈ ગઈ. માત્ર દેશ જ નહિ વિદેશમાં પણ આ ફિલ્મ ઢગલો એવોર્ડ લઈને આવી એટલું જ નહિ ફિલ્મ 'RRR' નું 'નાટુ નાટુ' સોંગ ઓસ્કાર લઈને આવ્યું. આ બ્લોક બસ્ટર ફિલ્મની શરૂઆત થાય છે એક શાનદાર સોંગ્સથી. જી હા. આજે આપણે વાત કરીશું આ સોંગની ગાયિકા અમદાવાદની રાગ પટેલ વિશે. જેને માત્ર એક ફેસબુક પોસ્ટ થકી આ ફિલ્મનો ભાગ બનવાની તક મળી.
RRRની ટીમ 12 વર્ષની એક છોકરીનો અવાજ શોધી રહી છે - આ વાતની જાણ રાગ પટેલના પિતા રાજીવ પટેલને એક ફેસબુક પોસ્ટ થકી થાય છે અને તેઓ તેમની દીકરીના ત્રણ સોંગ રેકોર્ડ કરીને મોકલી આપે છે. એક મહિના બાદ જ્યારે સામેથી જવાબ આવે છે કે રાગ પટેલ રાજામૌલીની ફિલ્મ માટે સિંગર તરીકે સિલેક્ટ થઈ છે અને ત્યારબાદ રાગની આ ફિલ્મ સાથેના સફરની શરૂઆત થાય છે.
'જ્યારે હું બે વર્ષની હતી ત્યારે મારા પપ્પાને લાગ્યું કે હું સારું ગાઈ શકું છું મારો અવાજ સારો છે. તેઓ મને વિવિધ ક્લાસિસમાં લઇ જતા કે મને કોઈ શિખવાડવાવાળું મળી જાય. હું બે વર્ષની હતી એટલે મને લખતા વાંચતા નહોતું આવડતું એટલે મારા મમ્મીએ મને મ્યુઝિકના માહોલમાં રાખવા માટે કી બોર્ડ ક્લાસીસમાં મૂકી હતી અને સાથે જ હું ડ્રોઈંગ પણ કરતી હતી. નવા નવા ક્લાસિસ કરો એટલે નાનપણથી જ તમારી હોબીનો વિકાસ થાય અને મને તે ખૂબ જ ગમતું હતું. અને હજી સુધી હું તે કરી રહી છું.'- રાગ પટેલ, ગાયિકા
RRR ફિલ્મના ફેસબુક પેજ પર તે લોકોએ એક પોસ્ટ મૂકી હતી કે તેમને એક 12 થી 15 વર્ષની બાળકીનો અવાજ જોઈએ છીએ અને મારા પિતાએ આ પોસ્ટ જોઈ અને કહ્યું કે આપણે ત્રણ સોંગ રેકોર્ડ કરીને મોકલી દઈએ. અમે ઓગસ્ટમાં સોંગ્સ મોકલ્યા અને સપ્ટેમ્બરમાં કોલ આવ્યો કે તમે સિલેક્ટ થઈ ગયા છો અને અમે હૈદરાબાદની ટિકિટ મોકલાવીએ છીએ. આટલી મોટી ફિલ્મ માટે મારો અવાજ આપવો મારા માટે મોટી વાત હતી. હું ખૂબ જ ખુશ હતી. ત્યાં જઈને હું ગાંડી જ થઈ ગઈ હતી.
આજે પણ પ્રથમ સોંગના રેકોર્ડનો દિવસ એટલો જ તાજો છે - રાગ પટેલ
રાગ કહે છે કે, મારા માટે રાજામૌલી અને એમ એમ કિરવાની સર સાથેનો અનુભવ એક સપના જેવો હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારા પ્રથમ સોંગ માટે આટલા મોટા લોકો સાથે કામ કરીશ. અને એ લોકો પણ એટલા જ હમ્બ્લ અને ડાઉન ટુ અર્થ હતા કે તેઓ મને એક પરિવારના સભ્યની જેમ રાખતા હતા. મારું પ્રથમ સોંગ હતું એટલે મને પહેલેથી લઈને છેક સુધી સરસ રીતે ગાઈડ કરી હતી અને આ સોંગ એક જ દિવસમાં રેકોર્ડ થઈ ગયું હતું. આ આખો એપિસોડ મારા મગજમાં આજે પણ એટલો જ તાજો છપાયેલો છે. ફિલ્મ રિલીઝ થઈ અને તેને ઘણા બધા એવોર્ડ મળ્યા. હું આટલી મોટી ફિલ્મનો ભાગ બની એ મારા માટે ગૌરવની વાત છે.
ચિત્રો સાથે પણ છે રાગ પટેલની દોસ્તી: 15 વર્ષની ઉંમરે રાજામૌલીની ફિલ્મથી પોતાની કરિયરની શરૂઆત કરનાર રાગ હાલમાં જ 12મા ધોરણની પરીક્ષામાં 95.04 ટકા સાથે ઉતીર્ણ થઈ છે અને આગળ સાયકોલોજીમાં જવા માંગે છે. અને ખાસ વાત તો એ છે કે તે સારી સિંગર હોવાની સાથે સારી ચિત્રકાર પણ છે. જ્યારે તમે એમના ઘરમાં પગ મૂકો તો એની આ કળા ઉડીને આંખે વળગે. તે ખૂબ સારા ચિત્રો બનાવે છે. તેની આ હોબી સિંગીગ અને પેઇન્ટિંગને જ તે કરિયર બનાવવા માંગે છે. રોજે રાગ તેના તેના કંઠના રિયાઝ માટે ક્લાસીસમાં જાય છે.
યુવાઓ પાસે ઘણું કરી શકવાની ક્ષમતા હોય છે પરંતુ તેમને જરૂર હોય છે તેમની આવડત અને તેને રજૂ કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ, જે રાગ પટેલને મળ્યું અને પોતાની જાતને પુરવાર કરી બતાવી. એક યુવા તરીકે આજે રાગ પટેલ લાખો યુવાઓને પ્રેરણા આપી રહી છે અને સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કરી રહી છે.