ભૂજ: DRI એ 'બેઝ ઓઇલ' ધરાવતા ડ્રમ્સમાં છુપાવવાની નવી પદ્ધતિ અપનાવીને એરેકા નટ્સનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે, અને ભારતમાં દાણચોરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અમદાવાદના DRI યુનિટ દ્વારા યુએઈથી મુન્દ્રા પોર્ટ પર જે માલ-સામાન આવ્યો હતો, તેમાં ખોટી રીતે જાહેર કરાયેલ કાર્ગો છે, તેવી બાતમીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવતું હતું. આ ઓપરેશનના પરિણામે DRI અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓ દ્વારા કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી. કન્ટેનરની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, તમામ 738 ડ્રમ માંથી 658 ડ્રમમાં વિભાજીત સ્વરૂપમાં સોપારીનો જથ્થો હતો. જ્યારે 80 ડ્રમમાં તેલયુક્ત પ્રવાહી કથિત રીતે "બેઝ ઓઈલ" સમાયેલ છે જે પ્રત્યેક કન્ટેનરમાં એરેકા નટ્સ ધરાવતા ડ્રમને છુપાવવા માટે વપરાય છે.
કરોડોની સોપારી જથ્થો જપ્ત: એરેકા નટ્સના દાણચોરીના ઓપરેશનમાં DRIએ 83.352 મેટ્રિક ટન સોપારીનો જથ્થો જપ્ત કર્યો છે. જેની કિંમત 5.71 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. આ કન્ટેનરના આયાત દસ્તાવેજોમાં બેઝ ઓઈલ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, અને દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
DRI ટીમની સતર્કતા: આ ઉપરાંત 80 ડ્રમ્સમાં ઉપલબ્ધ 14.383 MT તેલયુક્ત પ્રવાહી (બેઝ ઓઈલ) જેની કિંમત રૂ. 6.17 લાખ છે, તે પણ કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોપારીની આયાત ઊંચા ટેરિફ મૂલ્ય અને 110%ની ડ્યુટીનું માળખું ધરાવે છે. જેનાથી બચવા માટે, અનૈતિક આયાતકારોએ સોપારીની આયાતમાં ખોટી જાહેરાતનો આશરો લેવામાં આવી રહ્યો છે. સોપારીની આવી ગેરકાયદેસર દાણચોરીનો પર્દાફાશ કરવામાં DRI મોખરે રહી છે. હાલમાં અપનાવવામાં આવેલ દાણચોરીના પ્રયાસમાં નવી પદ્દતી અપનાવવામાં આવી જેમાં સોપારીના ટુકડા કરીને તેને ડ્રમમાં ભરવામાં આવ્યા હતા અને કસ્ટમ સત્તાવાળાઓ દ્વારા કોઈ પણ તપાસ ટાળવા માટે 'બેઝ ઓઈલ' તરીકે જાહેર કરાયેલ કન્સાઈનમેન્ટમાં છુપાવવામાં આવ્યા હતા. આ મામલે DRI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.