અમદાવાદ: હજી તાજેતરમાં જ રાજકોટના ગેમઝોનમાં આગની ઘટના બની. જેમાં 27 લોકોના મોત થયા. ત્યારે આજે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સર્જાઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સિવિલ અને ફાયર બ્રિગેડની કાર્યદક્ષતાના કારણે આગ કાબુમાં આવી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સદનસીબે જાનહાનિ થઇ હોય એવા કોઈ સમાચાર સામે આવ્યા નથી.
દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા: ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ બિલ્ડીંગ ૧-સી ના ટેરેસ પર આવેલ એ.એચ.યુ.ની હિટર કોઈલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે તેવું કારણ સામે આવ્યું છે. સમગ્ર બાબત એ હતી કે, એસી કોમ્પ્રેસરમાં પાંચમા માળે કંઈક બળતુ હોય તેવી દુર્ગંધ આવવાની શરૂઆત થતા આગ લાગી છે તેવી જાણ થઇ હતી. ત્યારબાદ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે ઘટના બનતા તુરંત આઈસીયુમાંથી દર્દીને ખસેડી લેવાંમાં આવ્યા હોવાથી મોટી જાનહાની ટળી હતી. નોંધનીય છે કે, રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગના કારણે અત્યારે લોકોમાં ભારે ડરનો માહોલ ફેલાયેલો છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી જણાવતા કહ્યું કે, “આગ લાગવાના થોડા જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગ પર સમયસર કાબૂ મેળવી લેવાથી જાનહાનિ ટાળી છે. કોઈ પણ દર્દી કે સ્ટાફને કોઈ પણ પ્રકારની ઇજા પહોંચી નથી."