અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંચાલન દ્વારા હોસ્પિટલ ઉપરાંત હોસ્પિટાલીટીને પ્રાધાન્ય આપીને નવી પહેલ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ અને 1200 બેડની હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનો અને ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે. વેઈટીંગ એરિયામાં બેઠેલા લોકોને વ્યક્તિગત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હોસ્પિટાલીટીનું ઉત્તર ઉદાહરણ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ઉપરાંત વિવિધ જિલ્લા અને રાજ્ય બહારના દર્દીઓ પણ સારવાર મેળવવા આવે છે. દૂર-સુદૂર અને અંતરિયાળ વિસ્તારમાંથી આવતા દર્દી અને તેમના સ્વજનો જ્યારે વેઇટીંગ એરિયામાં હોય કે પછી કેસ કઢાવવા રાહ જોતા હોય કે પછી તબીબને મળવાની રાહ જોતા હોય તે વખતે કોઈને ડિહાઇડ્રેશન ન થઈ જાય તે હેતુથી આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
નાગરિકો માટે આશીર્વાદરૂપ સેવા : અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, OPD બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વોટર કુલર કાર્યરત છે. પરંતુ ઘણી વખત તબીબને મળવાની કે કેસ કઢાવવા રાહ જોતા દર્દી કે દર્દીના સ્વજન કતાર તોડીને ત્યાં જતા નથી. જેથી આ સમસ્યાના સમાધાન હેતું હોસ્પિટલ સ્ટાફ દ્વારા વોટર જગ અને ગ્લાસ ધરાવતી ટ્રોલીને સમગ્ર વિસ્તારમાં ફેરવીને સૌને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જળ સેવા એ પ્રભુ સેવા : આ પહેલ અંતર્ગત OPD બિલ્ડીંગમાં સર્જિકલ, ઓર્થોપેડિક, મેડિસીન OPD, કેસ બારી, લેબ સેમ્પલ કલેકશ વિસ્તાર, RMO ઓફિસ વિસ્તાર અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની બહાર ઉપલબ્ધ દર્દી અને દર્દીના સ્વજનોને આ સેવાનો લાભ આપવામાં આવશે. નોંધનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજીત 4000 થી વધુ લોકો OPD સેવાનો લાભ મેળવે છે. એવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ પહેલ ખરા અર્થમાં તમામ મુલાકાતીઓની સુખાકારીમાં વધારો કરશે.