અમદાવાદ: દુષ્કર્મના કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ આસારામને સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. ખરાબ તબિયતનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 31 માર્ચ સુધીના વચગાળાના જામીન અપાયા છે. અમદાવાદના આશ્રમમાં બે બહેનોએ આસારામ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો, જે કેસમાં આખરે 2019માં આસારામને જેલની થઈ હતી.
2013માં બે બહેનો પર દુષ્કર્મનો કેસ?
વર્ષ 2013માં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે તેના જ આશ્રમમાં રહેતી સેવિકાએ દુષ્કર્મએ આરોપ લગાવ્યો હતો. જેમાં બે બહેનોએ દુષ્કર્મ, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની અને અકુદરતી શારીરિક સંબંધ રાખવાની ફરિયાદ દાખલ કરી હતી. વર્ષ 2001થી 2006 સુધી બે યુવતીઓ દ્વારા આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. જ્યારે તારીખ 6 ઓક્ટોબર 2013 ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો.
2013માં દાખલ થયો કેસ: બંને પીડિતાઓએ જે ફરિયાદ દાખલ કરી હતી તેમાં આસારામ તેમજ નારાયણ સાંઈ સામે આક્ષેપ લગાવ્યા હતાં. જેમાં તેની પત્ની પુત્રી અને સેવિકાઓને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. આસારામ સામે ફરિયાદ નોંધાયા બાદ કેસની સુનાવણી દરમિયાન આસારામને વિડીયો કોન્ફરન્સથી પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસની પૂછપરછ દરમિયાન વર્ષ 2014માં આસારામ પર દુષ્કર્મ કેસમાં દાખલ કરવામાં આવ્યો હતો.
દુષ્કર્મની ઘટનાઓ: બંને બહેનોએ જે આક્ષેપ લગાવ્યા હતાં તેમાં જણાવ્યું હતું કે વર્ષ 1996થી બંને બહેનો અને તેમનો પરિવાર આસારામ આશ્રમ સાથે જોડાયેલા હતાં. વર્ષ 1996થી લઈને વર્ષ 2001 સુધી તેમને ચૂરણ હોલમાં રાખવામાં આવ્યા હતા. વર્ષ 2001માં તેમની સાથે અમદાવાદની શાંતિવાટિકામાં જ આસારામે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ તેઓ પીડિતાને અને તેમના પરિવારને ખૂબ જ ડરાવીને રાખતા હતાં. જોધપુર કેસની જે ઘટના બની તેમાં પીડિતાઓએ હિંમત બતાવીને એટલા વર્ષો પછી આ કેસ નોંધાવ્યો હતો.
આ કેસના મહત્વના સાક્ષી એવા શાંતિવાટિકાના રસોઈયા અખિલ ગુપ્તા, વૈદ્ય અમૃત પ્રજાપતિ અને રાહુલ સચાનની પણ આસારામે હત્યાઓ કરાવી દીધી હતી. અત્રે એ મહત્વનું છે કે આ સમગ્ર કેસમાં કુલ 68 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતાં અને ત્યારબાદ આસારામને દોષિત જાહેર કરીને ચૂકાદો આપવામાં આવ્યો હતો. જ્યારે આસારામ સિવાય તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતાં.
આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ
સુરત પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર બનાવ આસારામના અમદાવાદ સ્થિત મોટેરા ખાતેના આશ્રમમાં બન્યો હોવાથી આ ફરિયાદને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થયા બાદ આ સમગ્ર કેસ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ સમગ્ર કેસમાં સરકાર વતી 55 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી.
હાઇકોર્ટ શું નિર્ણય સંભળાવશે: આ કેસ અંતર્ગત ગાંધીનગર સેશન્સ કોર્ટે સુરતમાં દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. આ મામલે કોર્ટે તમામ મુદ્દાઓનું અવલોકન કર્યું હતું. તમામ સાક્ષીઓ અને તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા પીડીતાને 5 લાખની આર્થિક આપવા પણ હુકમ કર્યો હતો. ગાંધીનગર કોર્ટે આપેલા આ ચુકાદા સામે હવે આસારામે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે મહત્વનું છે કે, આગામી સમયમાં આ મામલે વધુ સુનવણી હાથ ધરવામાં આવશે ત્યારે હાઇકોર્ટ શું નિર્ણય સંભળાવે છે તે મહત્વનું બની રહેશે.
જોધપુરમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં દોષિત
તો જોધપુરના આશ્રમમાં પણ સગીર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં 2018માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જેમાં જોધપુર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી આસારામ જોધપુરની જેલમાં બંધ હતો અને 2019માં સુરત કોર્ટે નારાયણ સાંઈને તો ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા હતા.
દીપક-અભિષેકના મોત મામલે ચર્ચામાં આવ્યો આશ્રમ
આસારામ દ્વારા સંચાલિક ગુરુકુળમાં દીપેશ અને અભિષેક નામના બે વિદ્યાર્થીઓના રહસ્યમયી મૃત્યુ થયા બાદ આસારામનો આશ્રમ ચર્ચામાં આવ્યો હતો. 2008માં આશ્રમના બે બાળકોના મોત થયા હતા. આ કેસમાં બાળકોના પરિજનોએ હત્યાનો આરોપ લગાવ્યો હતો અને સરકારે તપાસ માટે SITની પણ રચના કરી હતી. જોકે તપાસ બાદ આસારામ અને નારાયણ સાંઈને ક્લિનચીટ અપાઈ હતી.
આસારામ કોણ છે?
આસારામનું સાચું નામ હરપલાણી છે અને તેનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં 1941માં થયો હતો. 1947ના ભાગલા બાદ તેનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો હતો. 1960ના દાયકામાં તેમણે લીલાશાહને ગુરુ બનાવીને દીક્ષા લીધી હતી અને 1972માં અમદાવાદના મોટેરા ગામથી દૂર સાબરમતીના કિનારે ઝુંપડી બાંધી હતી અને અહીં આશ્રમ સ્થાપ્યો હતો. ધીમે ધીમે આસારામના પ્રવચનોમાં લોકો આવવા લાગ્યા અને ઝડપથી તેમના અનુયાયીઓની સંખ્યા વધી હતી. આસારામે પોતાના પુત્ર નારાયણ સાંઈ સાથે દેશ-વિદેશમાં અનેક આશ્રમો સ્થાપ્યા હતા અને તેમની હજારો કરોડની સંપત્તિ હોવાની પણ ચર્ચા ઉઠી હતી. એક સમય હતો ત્યારે આસારામ સ્ટેજ પર નૃત્ય કરતો અને મોટા નેતાઓ પણ તેમની સાથે સ્ટેજ પર આવતા અને લાખોની સંખ્યામાં અનુયાયીઓ તેમને સાંભળવા આવતા હતા.
આ પણ વાંચો: