સુરત: કૃષિ ક્ષેત્રે હાલ પ્રાકૃતિક ખેતી ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે જિલ્લાના કામરેજ તાલુકાના ભૈરવ ગામના વતની વયોવૃદ્ધ 71 વર્ષીય ખેડૂત એવા અમૃતભાઈ ભગુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી દ્વારા ઘાસચારાની શેરડીનું વાવેતર કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું છે. પ્રાકૃતિક ખેતીના ચાહક બનેલા અમૃતભાઈ કહે છે કે, 'હાલ દિન પ્રતિદિન રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઓછી થતી જાય છે. જેથી ખેતી અને જમીન બચાવવી હશે તો એક દિવસ પ્રાકૃતિક ખેતી તરફ જવું જ પડશે. તમને જણાવી દઈએ કે, અમૃતભાઈ છેલ્લા 12 વર્ષથી શેરડીમાં ચારા તથા કેળનું પ્રાકૃતિક પધ્ધતિ દ્વારા વાવેતર કરી રહ્યા છે, જેમાં સારી એવી આવક મેળવી રહ્યા છે.
આ વર્ષે તેમણે પાંચ વીઘા જમીનમાં શેરડીના ચારાનું વાવેતર કર્યું છે, જેમાં છાણીયા ખાતર, બિલાનું દ્રાવણ તથા જીવામૃતના ઉપયોગ સાથે ચૂસીયા રોગ નિયંત્રણ માટે લીંબોળીના તેલનો છંટકાવ કરતા હોવાનું તેઓ જણાવે છે.
પ્રાકૃતિક ખેતી અપનાવનાર અમૃતભાઈ કહે છે કે, 'પશુઓ માટે ચારાની શેરડીનું વાવેતર કરવાથી સારી એવી આવક મળે છે. ચારાનું ઉત્પાદન થવાથી ખેતર પર આવીને પશુપાલકો ચારો ખરીદી જાય છે. ચારાના વાવેતરમાં સંપૂર્ણ ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ અપનાવી છે. જેમાં મને પ્રથમ સાત મહિનાના પ્રથમ ક્રોપમાં 167 ટન ચારાનું ઉત્પાદન મળ્યું છે. જેનો ટનદીઠ રૂપિયા 2300 નો ભાવ મળ્યો છે. ત્યારબાદ ચાર મહિને બીજા ક્રોપમાં 122 ટન ઉત્પાદન મળ્યું જેનો રૂપિયા 2500 નો ટનદીઠ ભાવ મળ્યો છે. હજુ ત્રીજો ક્રોપ પણ છ મહિના બાદ મળશે. આમ પાંચ વીધા જમીનમાં ચારાનું વાવેતર કરીને એક વર્ષમાં 289 ટન ચારાનું ઉત્પાદન મેળવ્યું છે.'
આમ, 6.84 લાખ જેટલા ચારાનું માતબર ઉત્પાદન મેળવ્યું હોવાનું તેઓ જણાવે છે.
અમૃતભાઈએ વધુમાં જણાવતા કહ્યું કે, 'પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી જમીનમાં અળસિયાની સંખ્યા ખૂબ જ વધી છે. તમે ગમે ત્યારે આવો તો મારા ખેતરના દરેક ખૂણામાં તમને અળસીયા મળે જ છે. જમીનની ભેજ તારણશક્તિ વધવાના કારણે પિયતની સંખ્યા પણ ઘટી છે. સરવાળે વીજળી બિલ પણ ઘટ્યું, પાણીની બચત થઈ, જમીનમાં પણ સુધારો થયો અને એકંદરે અમારો ખેતીનો ખર્ચ પણ ઘટ્યો છે. જેથી જમીન પણ પોચી અને ફળદ્રુપ રહેતી થઈ છે.'
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને અનેકવિધ મદદ પૂરી પાડી રહ્યા છે, જે સરાહનીય છે. લોકોની ગેરમાન્યતા છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે છે. પણ હકીકત એ છે કે ઉત્પાદન ઘટતું નથી, ઉલટાનું ક્રમશ: વધે છે. રાસાયણિક દવાઓનો ખર્ચ ઘટવાથી અને માર્કેટમાં પ્રાકૃતિક ઉત્પાદનનોની માંગ પણ વધતી જાય છે, ત્યારે ચારામાં પણ પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરીને અમૃતભાઈ જેવા હજારો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી માટે અન્ય ખેડૂતોને પ્રેરણા આપી છે.
આ પણ વાંચો: