ભાવનગર: રાજકોટની ઘટના બાદ ભાવનગર ફાયર વિભાગ દ્વારા એક દિવસ પણ ચેકિંગ વગરનો કાઢવામાં આવ્યો નથી. શહેરમાં શાળાઓ, હોસ્પિટલો, હોટલો વગેરે ઉપર ચેકિંગ કરીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ સરકારી કચેરીઓને પગલે માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ખાનગી ક્ષેત્રમાં ફાયર વિભાગે કાર્યવાહી કરી છે.
ફાયર વિભાગે રાજકોટ અગ્નિકાંડ બાદ શું ભર્યા પગલાં: ભાવનગર શહેરમાં ફાયર વિભાગ દ્વારા રાજકોટની બનેલી ઘટનાના દિવસથી લઈને એક દિવસ પણ ચેકિંગમાં રાહત રાખી નથી. ફાયર વિભાગ દ્વારા 3 ટીમો બનાવીને શહેરમાં સરકારની સૂચના મુજબ ચેકિંગ કરીને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાવનગર શહેરમાં આવેલા 6 ગેમ ઝોનમાંથી 3 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 21 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે, તે પૈકી (1) રંગોલી ફન પાર્ક, (2) આર કે પોલો ફન, (3) ટેરર ગેમ ઝોન, (4) કે મોલ, ગોપાલ રેસ્ટોરન્ટ, (5) હોટલ ઈ ક્લાસીકો, (6) શીતલ એકેડેમી, (7) અર્થ એરર કોમર્શિયલ, (7) જ્ઞાનગુરુ વિદ્યાપીઠ, (8) પૂજા પાર્લર, (9) જીવનદીપ હોસ્પિટલ, (10) આરવ કોમ્પ્લેક્સ, (11) ક્રિષ્ના જુલાનું બિલ્ડીંગ, (12) બંસરી હોટલ, (14) સેન્ટ મેરી હાઇસ્કુલને પણ સીલ કરવામાં આવ્યા છે.
કમિશનરે શું કહ્યું કાર્યવાહીને પગલે તે જાણો: ભાવનગરમાં ફાયર વિભાગ દ્વારા તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કમિશનર એન વી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, રાજકોટની અગ્નિ કાંડ બાદ સૌ પહેલા તમામ ગેમીંગ ઝોનની ચકાસણી કરી હતી. મહાનગરપાલિકાના બાડા વિસ્તારમાં કુલ 6 ગેમ ઝોન હતા. તે પૈકી 3 પાસે NOC કે BU પણ નહોતા એટલે હાઇકોર્ટના આદેશ અનુસાર એને બંધ કરવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા 3 સામે FIR ફાઈલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. તે સિવાય જે સરકારની સૂચના હતી તે પ્રમાણે હોટલ, સ્કૂલ-રેસ્ટોરન્ટ, ધાર્મિક જગ્યાઓ, જાહેર જગ્યાઓ, હોસ્પિટલ્સ પર ફાયર વિભાગે તપાસ કરીને ફાયર સુવિધા ન હોય તેવી જગ્યાઓને સીલ કરવામાં આવી છે. 5 દિવસમાં કુલ 21 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે જેમાં હોસ્પિટલ, સ્કૂલ પણ શામેલ છે અને આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે અને આવનારા દિવસોમાં ચાલુ રહેશે.
સરકારની કચેરીઓમાં ઢીલી નીતિ કે શું ?: ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ખાનગી ક્ષેત્રને ચેકિંગ કરીને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ રાજકોટ અગ્નિ કાંડ બાદ આજ દિન સુધીમાં એક પણ સરકારી કચેરીને સીલ મારવામાં આવી હોય તેવું સામે આવ્યું નથી. સવાલ એ ઉભો થાય છે કે, સરકારી કચેરીઓમાં પણ પાલન થાય છે કે નહી? અને શું નોટિસ આપવામાં આવેલી છે કે કેમ ? જો કે, ફાયર વિભાગ દ્વારા સમયાંતરે જણાવવામાં આવે છે કે, સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવી છે. પરંતુ આ નોટિસ પૂરતું જ સીમિત રહે છે, આગળ સરકારી કચેરી હોવાને પગલે કાર્યવાહી થતી નથી તેવું જરૂર લાગી રહ્યું છે. કારણ કે, 4થી 5 માળનું મહાનગરપાલિકાનું પોતાનું બિલ્ડીંગ હોય જેમાં ફાયરના આગ બુઝાવા માટેના પાઇપો તો છે.પરંતુ સ્મોક ડીટેક્ટર જોવા મળતા નથી એટલે કે અપૂરતા સાધનો ખુદ સરકારી કચેરીઓમાં લાગેલા જોવા મળે છે.