ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લામાં રોડની ખરાબ હાલતને પગલે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. શહેરમાં લોકોનો કકળાટની સાથે જિલ્લાના લોકો પણ ત્રસ્ત છે. ત્યારે શાસકો ગેરેન્ટી પિરિયડના રોડને નોટિસીસ આપી રહ્યા છે. જ્યારે ગેરેન્ટી પિરિયડ રોડમાં મહાનગરપાલિકા રોડની કામગીરી પોતાના ખર્ચે કરતી હોવાની ચર્ચા છે.
ખાડાઓના પગલે પૂર્વ કોંગ્રેસે ઠાલવ્યો રોષ: ભાવનગર કોંગ્રેસ પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રસ્તા પગલે બળાપો કાઢ્યો હતો. પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, 'આખા ગુજરાતમાં એવું માનું છું કે ભાવનગરના રોડની હાલત જેટલી ખરાબ છે એટલી આખા ગુજરાતમાં નહીં હોય આખા દેશમાં નહી હોય. અને હું એવું માનું છું એ કોર્પોરેશન, કોન્ટ્રાકટર, અધિકારી બધા ભેગા થઈ આ ભાવનગરના પ્રજાજનોને હેરાન પરેશાન કરી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે,'હું એવું માનું છું કે કોન્ટ્રાક્ટરનું અડધું કામ કોર્પોરેશન કરી દે છે. 200 રોડમાંથી 40 રોડ ગેરેન્ટી પિરિયડ વાળા એને નોટીસ આપી, પછી શું? પગલાં લેવાયા કે નહીં. ગેરેન્ટી પિરિયડ વાળા રોડ એમાં પરાજુ આ અધિકારીઓ નાખી દે, તમારા માસીના દીકરા થાય છે. મને લાગે છે ભાવનગરના લોકોને હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આ ઓવરબ્રિજ ચાર ચાર વર્ષ થયાં પૂર્ણ કરતા નથી. ચાર ચાર વાર સમય મર્યાદા આપે કેમ પગલાં ન લેવાય. ડાયવર્ઝનના રોડ જુઓ.. ખાડા છે. કોર્પોરેશનને કહો તો કે કોન્ટ્રાકટર કરશે, કોન્ટ્રાકટરને કહો તો કે કોર્પોરેશન કરશે. પ્રજાને હેરાન પરેશાન કરી દીધા છે.'
નાગરિકો તો તોબા પોકારી ગયા: નાગરિક એવા રાજુભાઈએ જણાવ્યું હતું કે,'આ ખાડા જુઓ બને બાજુ ખાડા છે અને તેમાં પાણી આવે એટલે તણાઈ જાય ત્યારબાદ તેમા કપચી નાખીને મુકી દે. આના ટેક્સ હોય, પબ્લિકના પૈસે ખાડા છે. એકે એક ખૂણે ખાડા જોવા મળે છે. ગમે તે ખૂણે જાવ ખાડા જોવા મળે, વરસાદ આવે એટલે કપચી નાખીને બુરી દે, સરકારને એક જાતની કમાણી થઈ ગઈ છે.
તાલુકા સદસ્યે પણ રોષ ઠાલવ્યો: જિલ્લાના તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય બળદેવભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, 'શહેરથી એકદમ નજીક એવા વરતેજ ગામનો વતની છું. વરતેજથી નીકળીએ કદાચ પાલીતાણા જાય કે ભાવનગર સિટીમાં આવી એ ત્યારે એક પણ રસ્તો ખાડા વગરનો જોવા મળતો નથી. તમામ રસ્તાઓ જાણે ખાડાનું મહાનગર હોય અને ખાડાનો જિલ્લો હોય એ રીતે ભાવનગરની હાલત થઈ ગઈ છે, જે રીતે ભાવનગરની અંદર શાસકો બેસીને ભ્રષ્ટાચારની કેમ મલાઈ ખાતા હોય. આ દિશામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન કામ કરી રહ્યું છે, જ્યારે પ્રજાને હાડમારી ગમે એવી ભોગવવી પડતી હોય, તો ગમે એમ ભોગવાય છે. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. હવે આવનારા દિવસોની અંદર પ્રજાએ પોતાનો મૂડ બનાવી લીધો છે. અમારા ભાવનગર જિલ્લાની અંદર ખાડાનું શાસન જોતું નથી.
ખાડાઓના સંદર્ભે શાસકોએ આપ્યો જવાબ: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે,'ભાવનગર મહાનગર તંત્ર રોડ વિભાગ કામ કરી રહ્યું છે, ગઈ સ્ટેન્ડિંગની અંદર મેં સુચના આપી હતી કે ભાવનગર મહાનગર હદ વિસ્તારની અંદર અત્યારે 13 એ 13 વોર્ડની અંદર જે પણ રોડ બન્યા છે, એ ગેરેન્ટીમાં હોય એવા રોડોનું લિસ્ટ બનાવીને અને આ રોડો ગેરેન્ટી પિરિયડમાં રિપેર કરવામાં આવે. તેમજ જો તૂટ્યા હોય તો એના માટેની કામગીરી સોપવામાં આવી હતી. જેમાં 200 રોડમાં ગેરેન્ટી પિરિયડમાં હોય એવું એક લિસ્ટ મારા સુધી પહોંચ્યું છે.
મારા તાંબાના ઓડિટ વિભાગ દ્વારા આ 200 રોડની સમીક્ષા કરવામાં આવી રહી છે, સાથે સાથે કમિશનર દ્વારા પણ એક અલગ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ પણ સર્વે કરી રહી છે. આ 200 રોડ પૈકી હાલમાં 41 રોડોને રિપેરીંગ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન પાણીના કારણે જયાં પણ નાના મોટા ડેમેજ થયેલા છે એવા રોડો તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવશે.
આ પણ વાંચો: