મોરબી પંથકમાં અનેક ઉધોગોના વિકાસ થયા છે. મોટા પ્રમાણમાં ઉદ્યોગને પગલે હજારો નહિ લાખો લોકોને રોજગારી મોરબી શહેર અને જીલ્લો આપી રહ્યું છે. જોકે વધતા વિકાસની સાથે પ્રદુષણનો પ્રશ્ન પણ માજા મૂકી રહ્યો છે. અનેક ફેક્ટરી સંચાલકો બેદરકારી દાખવી કેમિકલ વેસ્ટનો આડેધડ નિકાલ કરતા હોય છે. ત્યારે આવો જ કિસ્સો ઘૂટું ગામે પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ગ્રામજનોએ ખાલી ટેન્કર ઝડપી લીધું હતું અને એ ટેન્કરમાં કેમિકલ ભરેલ હોય જે ઘૂટું ગામ નજીક ઠાલવ્યું હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે.
કાન્તિલાલ અમૃતિયાએ શું કહ્યું: આ ઘટના અંગે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ જાહેર કરેલ વીડિયોથી વિરોધાભાસ સર્જાયા છે. વીડિયોમાં ધારાસભ્ય જણાવી રહ્યા છે કે ટેન્કર ખાલી હતી. રાત્રે 12 વાગ્યે ફોન આવ્યો અને કોન્ટ્રાકટરને મદદની જરૂર હતી તો અઢી કલાક સુધી જાગીને તેઓએ મદદ કરી હતી. મોરબીમાં સારું કામ થાય તેના માટે તેઓ સતત કાર્યરત છે. કોન્ટ્રાકટર સારા કામ કરે અને જરૂરત પડે ત્યારે તેમની સાથે ઉભા હોવાનું જણાવ્યું હતું. ટેન્કર ખાલી હતી જે ગ્રામજનો પકડીને હેરાન કરતા હોવાથી છોડાવ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
ગ્રામજનોના આક્ષેપ: તો બીજી તરફ ગ્રામજનોએ ટેન્કરમાં ભરેલ કેમિકલ ગામ નજીક ખાલી કર્યાના આક્ષેપો કર્યા હતા એટલું જ નહિ જીપીસીબી ટીમે સેમ્પલ લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે ધારાસભ્ય કેમ ટેન્કરના માલિકને બચાવવાની પેરવી કરી રહ્યા છે તે મોટો સવાલ છે ? ઘૂટું ગ્રામજનોએ કેમિકલ ખાલી કર્યા બાદ ટેન્કર ચાલકને ઝડપી લીધો હતો જે મોબાઈલમાં કાન્તિલાલ અમૃતિયા સાથે વાતચીત કરતો જોવા મળે છે તેવો વીડિયો વાયરલ થયો છે જેમાં કાન્તિલાલ તું ભેગો ભેગો શું કામ ફરશ પાછો આવતો રહે તેવું બોલતા સાંભળી સકાય છે જોકે વીડિયોની પુષ્ટિ કરી શકાતી નથી. ટેન્કર ચાલકે કાન્તિલાલના સાળાનો ટેન્કર હોવાનો સ્વીકાર કર્યો હતો.
ગ્રામજનોએ ઝડપી લીધેલા ટેન્કર ચાલકનો વીડિયો બનાવ્યો હતો. જેમાં ટેન્કર ચાલક કબુલાત આપે છે કે હળવદથી ભરી આવ્યા હતા અને માથકના મુકેશ ભરવાડે ખાલી કરવાનું કીધું હતું તો તે સાથે જગ્યા બતાવવા પણ આવ્યા હતા. ટાંકો કોનો છે તેવું પૂછતાં ભરતભાઈ કાંતિભાઈ અમૃતિયાના સાળાનો હોવાનું ટેન્કર ચાલક જણાવી રહ્યો છે જોકે ખાલી કર્યા અંગે ગોળગોળ જવાબ આપે છે તે રોડ પર ઉભો હતો અને સાથે આવ્યો હતો તેને ખાલી કર્યો હશે તેવું બોલતો જણાઈ આવે છે.