સુરત: એડવોકેટ અને સામાજિક કાર્યકર મેહુલ બોઘરા વિરુધ્ધ સ્થાનિક લોકરક્ષક દ્વારા નોંધાવેલી પોલીસ ફરિયાદ રદબાતલ ઠરાવવા કરાયેલી ક્વોશીંગ પિટિશનમાં હાઇકોર્ટે તેમને કોઈ રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઈએ મેહુલ બોઘરાની પિટિશન ફગાવી દેવાનું વલણ અપનાવતાં તેમને પોતાની અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.
મેહુલ બોઘરાએ હાઇકોર્ટ સમક્ષ ક્વોશીંગ પિટીશન કરી: લોકરક્ષક દ્વારા એડવોકેટ મેહુલ બોઘરા સામે કરેલી ફરિયાદ રદબાતલ ઠરાવવા માટે મેહુલ બોઘરાએ હાઇકોર્ટ સમક્ષ કવોશીંગ પિટીશન કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, બીઆરટીએસ કોરીડોરમાં પોલીસનું સ્ટીકર મારેલ, બ્લેક ફિલ્મ લાગેલી અને નંબર પ્લેટ વગરની કાર તેમણે રોકી હતી, તેમાં બે પોલીસ કર્મચારી બેઠા હતા. કાર રોકતાં તેઓએ ઝઘડો કર્યો હતો અને લોકોના ટોળા ભેગા થયા હતા અને મારામારી થઇ હતી.
પોલીસ કર્મચારીની ધરપકડ કરાઇ નથી: અરજદારે 100 નંબર પર ફોન પણ કર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીને પણ ફોન કર્યો હતો. ત્યાં ઉભેલા ASIએ પણ કશું કર્યુ ન હતું. આમાં પોલીસને ટાર્ગેટ કરવાની કયાંય વાત જ નથી, માત્ર કાયદાના પાલનની વાત આવે છે. આ કેસમાં સામસામે ક્રોસ ફરિયાદ થયેલી છે, જેમાં પોલીસ કર્મચારીની ધરપકડ પણ કરાઈ નથી.
હાઇકોર્ટ જસ્ટિસે પીટિશનનો લીધો ઉધડો: આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટ જસ્ટીસે મેહુલ બોઘરાની પીટિશનનો ઉઘડો લેતા કહ્યું હતું કે, શા માટે તમારી સાથે જ આવું થાય છે.? આ નામ મેં સમાચારમાં 15 વાર વાંચ્યું છે. શા માટે પોલીસ વિભાગને જ ટાર્ગેટ કરવામાં આવે છે. તમે લોકરક્ષક અને વકીલો છે એટલે તમે બધુ જ કરવાની સત્તા મળી ગઇ છે. ન્યાય મેળવવા માટે કોર્ટ પણ છે અને બીજા અનેક રસ્તાઓ છે. કાયદો હાથમાં લેવાની જરૂર શું છે. તમે એટેન્શન લેવા માટે આ કરો છો ? તેમ ટાંકીને પીટિશન રદ્દ કરવાનું કહેતા મેહુલ બોઘરાના વકીલે પીટિશન પરત ખેંચી લીધી હતી.