સુરત : તાપીના કાકરાપાર અણુવિદ્યુત મથકે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. 700 મેગાવોટના યુનિટ-3 અને યુનિટ-4 માટેના મેગાવોટ યુનિટનું પરીક્ષણ સફળતાપૂર્વક પાર પડ્યું છે. આગામી 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યુનિટ દેશને અર્પણ કરશે. સૌથી અગત્યની વાત છે કે ગુજરાતના તાપી જિલ્લા ખાતે સ્થિત કાકરાપારનું અણુશક્તિ મથક દેશનું બીજું મોટું મથક બની જશે.
મેરા ભારત મહાન ! તાપી સ્થિત કાકરાપાર અણુવિદ્યુત મથકમાં 220 મેગાવોટના બે યુનિટ છે. હવે 700 મેગાવોટનું યુનિટ-3 અને યુનિટ-4 ની સક્રિય થતા કાકરાપાર 1820 મેગાવોટ વીજળી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરશે. આ સાથે કાકરાપાર અણુ વિદ્યુતમથક દેશનું બીજું સૌથી મોટું અણુશક્તિ મથક બની જશે. હાલ તમીલનાડુના કુદનકુલમ પ્લાન્ટમાં 2000 મેગાવોટ વીજ ઉત્પાદન થાય છે.
કાકરાપાર અણુશક્તિ મથક : કાકરાપાર સ્થિત અણુવિદ્યુત મથક 1984 માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. પ્રથમ તબ્બકે વિદેશી મશીનોની સહાયતાથી આ પ્લાન્ટની શરૂઆત કરાઈ હતી. પરંતુ હાલમાં તૈયાર થયેલા યુનિટ ત્રણ અને ચાર સંપૂર્ણ રીતે સ્વદેશી છે. ખૂબ મોટા વિસ્તારમાં આવેલ આ પ્લાન્ટમાં 35 વર્ષથી કર્મચારીઓ અને અધિકારીઓ કાર્યરત છે. રેડીએશનનો કોઈ ભય ન હોવા અંગે સ્થાનિક લોકોને જાગૃત કરવા પણ પ્લાન્ટના અધિકારીઓ કાર્યરત રહે છે.
દેશનો બીજો સૌથી મોટો પ્લાન્ટ : દેશના વિકાસ સાથે ક્લીન અને ગ્રીન પાવર પર ભાર આપવામાં આવી રહ્યો છે. કાકરાપાર દેશનું 24 મું ન્યુકિલયર પાવર રીએક્ટર છે. અહીં NPCIL ના વધુ 6 રીએક્ટર છે. જેમાં 700 મેગાવોટના RAPP યુનિટ 7 અને 8, 1000 મેગાવોટના RAPP યુનિટ 3 અને 4 તથા 700 મેગાવોટના GHAVP યુનિટ 1 અને 2 નુ બાંધકામ ચાલી રહ્યું છે. આગામી વર્ષમાં પ્રક્રિયા શરૂ થાય તેવી અપેક્ષા છે.
નવા યુનિટનું સફળ પરીક્ષણ : NPCIL ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ભુવન ચંદ્ર પાઠકે કાકરાપારની નવી સિદ્ધિ અંગે જણાવ્યું કે, આ અણુમથકમાં પહેલા 220 મેગાવોટ વીજ ઉત્પાદન કરતા બે યુનિટ કાર્યરત હતા. બાદમાં સ્વદેશી બનાવટના 700 મેગાવોટના બે નવા યુનિટ (યુનિટ 3 અને 4) નિર્માણ કરવામાં આવ્યા હતા. જેમાં યુનિટ-3 નુ સફળતાપૂર્વક પરીક્ષણ બાદ 100 ટકા વીજ ઉત્પાદન ક્ષમતા પુરવાર કરી 700 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થયું હતું. એ જ રીતે યુનિટ-4 નું પરીક્ષણ કરાયું છે. જેને લઈને વૈજ્ઞાનિકોની ટીમ અને અણુમથકના અધિકારીઓની ટીમે ખુશી વ્યક્ત કરી છે.