સુરત: જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 29 જુલાઈના વહેલી સવારથી વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી હળવો વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં સીઝનના 45.6 ઈંચ સાથે 78 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટી મહિનામાં 16 ફૂટ વધી છે.
વિસ્તારોમાં વરસાદી માહોલ: સુરત શહેરમાં મેઘમહેર જોવા મળી હતી. જો કે છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો અને છુટા છવાયા વરસાદી ઝાપટા પડતા હતા. જ્યારે આજે વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાની સવારી સુરત શહેર આવી પહોંચી છે. આજે વહેલી સવારથી જ સુરત શહેરના વરાછા વિસ્તાર સહીત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી: વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ વહેલી સવારે વરસાદી માહોલ હોય સ્કુલ, કોલેજ તેમજ નોકરી ધંધે જતા લોકોને રેઇનકોટ અને છત્રી સાથે જવાની ફરજ પડી હતી. સુરત જિલ્લાની વાત કરીએ તો સવારે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 1 ઇંચ (29mm), પલસાણામાં 1 ઇંચ (27mm), ઉમરપાડામાં અડધો ઇંચ (22mm), ચોર્યાસીમાં અડધો ઇંચ (15mm), બારડોલીમાં અડધો ઇંચ (13mm), મહુવામાં 10mm, ઓલપાડમાં 9mm, માંગરોળમાં 7mm, કામરેજમાં 6mm, માંડવીમાં 4mm વરસાદ નોંધાયો છે.