મહેસાણાઃ સોશ્યલ મીડિયા પર ચાલતા ટ્રેન્ડની જેમ સરકારી બાબુઓમાં કટકીનો પણ એક અલગ જ ટ્રેન્ડ જોવા મળે છે, જોકે ગમે તેવા ખેલ કરે પણ તેમની પાછળ સતત કાર્ય કરતું એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) ક્યારેક તો તેમના સુધી પહોંચી જ જતું હોય છે. આવા જ એક સરકારી અધિકારી, કલોલના મામલતદાર કચેરીમાં કામ કરતા નાયબ મામલતદાર એસીબીના હાથે ઝડપાઈ ગયા છે.
પહેલા જ હપ્તે પકડાઈ ગયાઃ બાબત એવી છે કે, આ અંગે એક વ્યક્તિએ એસીબીને ફરિયાદ આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓને સરકારી જમીન ખેતી માટે મેળવવા માટે અરજીનું કામ ચાલતું હતું. તેમાં તેમને સર્કલ ઓફિસરની સંમતી આપવા માટે કલોલના બજાર રોડ પર આવેલી મામલતદારની કચેરીમાં કામ કરતા સર્કલ ઓફિસર નાયબ મામલતદાર રાકેશકુમાર કશનાભાઇ સુથારીયાના સામે આવવું પડ્યું. તેઓ પોતાની અરજી પર સંમતી આપે તે માટે તેમની સામે અરજ કરી રહ્યા હતા. જોકે આ બાજુ નાણાં ખંખેરવાના ઈરાદે રાકેશકુમાર કશનાભાઇ સુથારીયા દ્વારા તેમની પાસેથી 1 લાખ રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી. જોકે સાથે એવી સંમતી આપી હતી કે, એક સાથે નાણાં ના થાય તો હપ્તા કરી આપે તો પણ વાંધો નથી. જોકે પહેલા જ હપ્તે તેઓ પકડાઈ ગયા.
કેવી રીતે ઝડપાયા? આ મામલામાં આ વ્યક્તિ લાંચ આપવા માગતા નહોતા, તેમણે તુરંત એસીબીનો સંપર્ક કર્યો અને પંચમહાલ એસીબીના મદદનિશ નિયામક બી. એમ. પટેલના સુપરવિઝન હેઠળ એક છટકું તૈયાર થયું. જે પ્લાનીંગના સફળ એક્ઝિક્યુશનમાં પંચમહાલ એસીબીના પોલીસ ઈન્સપેક્ટર આર બી પ્રજાપતિ અને તેમની ટીમ જોડાઈ અને આખરે પાર પાડ્યું પણ ખરા. એસીબીએ નાયબ મામલતદારને લાંચના પ્રથમ હપ્તાને સ્વિકારતા રંગે હાથ ઝડપી લીધો. ટ્રેપમાં આરોપી કોર્ટમાં છટકી જાય નહીં તેની પૂર્વ તૈયારી રૂપે એસીબીએ વિવિધ પુરાવાઓ પણ એકત્ર કર્યા હતા. પોલીસે આખરે આ શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં પણ એસીબી ત્રાટકીઃ વેચાણ જમીન રાખી હોવાથી ખેડૂત હોવાનું પ્રમાણ પત્રની જરૂર હોવાથી એક વ્યક્તિ પાસેથી અમદાવાદના દસક્રોઈમાં કોન્ટ્રાક્ટ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા બીજલ બળદેવ ઠાકોર દ્વારા 75000 રૂપિયાની લાંચની માગ કરવામાં આવી હોવાનું આ વ્યક્તિએ જણાવતા એસીબીના ધ્યાને આવ્યું હતું. એસીબી અમદાવાદના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમા અને ટ્રેપીંગ અધિકારી પીઆઈ એન એન જાદવ તથા તેમની ટીમે સફળતા પૂર્વક આ શખ્સને ઝડપી પાડ્યો હતો. તે દરમિયાન એસીબીના સામે આવ્યું કે, કચેરીમાં કુલ 7 અરજીઓ હતી, જે અરજીઓ રિજેક્ટ થતા ખુટતા કાગળો સાથે ફરી અરજીઓ આવી હતી. જે પૈકી બે દફ્તરે કરી અને બાકીની પાંચમાં બીજલે મામલતદાર કચેરીનો અભિપ્રાય આપવા માટે 1 અરજી દીઠ રૂપિયા 5 હજાર તથા પ્રાંત કચેરીમાં આગળનું કામ કરવા અરજી દીઠ 10 હજાર મળી અરજી દીઠ કુલ 15 હજાર માગ્યા હતા. આમ તે કુલ 75 હજાર રૂપિયા માગતો હતો. જોકે આ મામલામાં આ વ્યક્તિ લાંચ આપવા માગતા ન્હોતા અને તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. છટકા પ્રમાણે બીજલે લાંચના રૂપિયા આજે આપવા બોલાવ્યા હતા. જ્યાં એસીબીના હાથ તે ઝડપાઈ ગયો હતો. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.