જુનાગઢ: જિલ્લાની સાથે સમગ્ર રાજ્યની કાયદાશાસ્ત્રની કોલેજોમાં અધ્યાપકોની કારમી તંગીને ધ્યાને રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિદ્યાર્થીઓને સાથે રાખીને જુનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આગામી સમયમાં રાજ્યની સરકાર સરકારી અને સરકાર દ્વારા પ્રાપ્ત અનુદાનિત કોલેજોમાં અધ્યાપકોની ભરતી નહીં કરે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલનની જેમકે ઉચ્ચારવામાં આવી છે.
કાયદા વિભાગની કોલેજોમાં અધ્યાપકોની કમી: સમગ્ર રાજ્યની કાયદા વિભાગની કોલેજોમાં અધ્યાપકોની તંગીને કારણે કાયદા શાસ્ત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ખૂબ માઠી અસર પડી રહી છે. જેને કારણે જુનાગઢ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રાજ્યની કાયદા શાસ્ત્રની કોલેજોમાં અધ્યાપકોની કમીને કાયમી ધોરણે દૂર કરવાની માંગ કરવામાં આવી છે. પાછલા કેટલાક મહિનાથી અધ્યાપકોની સતત કમીને કારણે વિદ્યાર્થીઓના પ્રવેશ પણ આપવામાં આવ્યો નથી. આવી વિપરીત પરિસ્થિતિમાં રાજ્યની સરકાર સરકારી અને સરકાર દ્વારા અનુદાન પ્રાપ્ત કોલેજોમાં તાકિદે અધ્યાપકોની ભરતી કરે તેવી માંગ કરી છે.
ABVP ની 3 માંગો: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં મુખ્ય 3 માંગો કરવામાં આવી છે. તે મુજબ ગુજરાતની તમામ સરકારી અને અર્ધસરકારી કોલેજની પ્રવેશ પ્રક્રિયા તાકીદે શરૂ કરવામાં આવે જેથી કાયદાશાસ્ત્રમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓનો પ્રવેશ નિશ્ચિત બને બીજી તરફ સમગ્ર રાજ્યની અર્ધસરકારી કાયદા વિભાગની કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અધ્યાપકોની ભરતી કરવાની માંગ કરવામાં આવી છે.
કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ: ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેમજ ગુજરાતની અર્ધસરકારી કાયદા વિભાગની કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીઓ દિઠ આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવામાં આવે આ મુખ્ય 3 માંગોને સામે રાખીને આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજ્યની સરકાર જો કાયદા વિભાગના વિદ્યાર્થીઓના હિતમાં કોઈ અંતિમ નિર્ણય નહીં લે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તમામ શૈક્ષણિક કાર્ય બંધ રાખીને ઉગ્ર આંદોલન કરવાનુ પણ વિચારી રહી છે.