સુરત: રાજ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ઘણા ટોલ પ્લાઝા ખાતે ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ ટોલ વધારાને લઇને વિપક્ષ વિરોધ નોંધાવી રહ્યું છે. અને ટોલ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ થઈ રહી છે.
કામરેજ ટોલ પ્લાઝા ખાતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ટોલ વધારો પરત ખેંચવામાં આવે તેમજ GJ 05 અને GJ 19 ના વાહનોને ટોલ ફ્રી કરવામાં આવે તેવી માંગ AAP કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી.
NHAI વિરૂદ્ધ સૂત્રોચાર: AAP ના નેતાઓ અને કામરેજ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જગદીશ કથીરીયાની આગેવાનીમાં કામરેજ ટોલ પ્લાઝા નજીક તમામ કાર્યકર્તાઓ એકઠા થયા હતા. અને ટોલ પ્લાઝા ખાતે વિરોધ કરવા જાય એ પહેલા જ કામરેજ પોલીસે તમામ નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી.
પોલીસ તમામ નેતા અને કાર્યકરોને ટિંગાટોળી કરી કામરેજ પોલીસ મથક ખાતે લઇ ગઈ હતી. વિરોધ કરી રહેલા નેતાઓએ સરકાર અને ટોલ પ્લાઝાનું સંચાલન કરતા NHAI વિરૂદ્ધ સૂત્રોચાર કર્યા હતા. જ્યાં સુધી તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ લડત શરૂ રહેશે અને ટોલ પ્લાઝા ઓફિસ બહાર એકઠા થશે તેવી પણ ચિમમકી ઉચ્ચારી હતી.
AAP ના કાર્યકરોની પોલીસે કરી અટકાયત: AAP નેતા જગદીશ કથીરીયાએ જણાવ્યું કે, 'ઘણા સમયથી અહીં નવા કોન્ટ્રાક્ટરને ટોલ પ્લાઝાના કામ આપવામાં આવ્યા છે. આ ટોલ પ્લાઝામાં GJ05 અને GJ19ના વાહનોના ટોલ લેવામાં આવે છે. તેના વિરોધમાં આજે અમે અહીં એકઠા થયા છે. તમે અહીં જોઈ શકો છો કે અમારા કાર્યકરોને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે અને કાર્યકરોને સ્થળ પર પહોંચવા પણ નથી દેવામાં આવતા. અમારા ઘણા કાર્યકરોની રોડ પર પોલીસે અટકાયત કરી છે. લોકલ વાહનો જે ફ્રી કરવામાં આવ્યા છે એ ખરેખર વાહીયાત વાત છે એ બિલકુલ વાત નથી. મારી પાસે આનું સબુત પણ છે. તમે કહેશો તો હું મીડિયાને આપીશ. કાલની તારીખમાં જ લોકલ ગાડીઓના ટોલ કપાયા છે.'
સરકારને કમાવા માટે નાટક અને નખરા થાય છે: તેમણે વધુમાં જણાવ્યું કે, 'મે એ પણ વાત સાંભળી છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર તમે આધાર કાર્ડ અને આરસી બુક છે એ જમા કરાવશો તો તમને ટોલ ફ્રી આપવામાં આવશે. તો શું આખા સુરત જિલ્લાના કાર્યકરો એક જ પાર્ટીના કાર્યકર્તા હોય છે. આવુ અમે પણ નહીં ચલાવી લઈએ. લોકો જ્યારે ગાડી ખરીદે છે ત્યારે ટેક્સ આપે છે, ડિઝલ પુરાવે છે ત્યારે ટેક્સ આપે છે, અન્ય પ્રકારના ટેક્સ ભરી ભરી છેલ્લે આ રોડ ટેક્સ પણ લેવામાં આવે છે. ખરેખર તો અહીં જે ટોલ ટેક્સ ઉખરાવવામાં આવતો હતો આખુ જે રોડનું પેકેજ હતું એ પૂર્ણ થઈ ગયું છે. અત્યારે ખાલી સરકારને કમાવા માટે આ બધા નાટક અને નખરા થાય છે.'
આ પણ વાંચો: