જૂનાગઢ : માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ પિયુષ પરમાર પર કેસ મામલે રેશ્મા પટેલનું નિવેદન સામે આવ્યું છે. આપ નેતા રેશ્મા પટેલનો દાવો છે કે માળિયા તાલુકાના રસ્તાના કામમાં થતાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પિયુષ પરમારે લાઈવ આવી વીડિયો જાહેર કર્યો હતો. આથી સત્તાધારી પક્ષ દ્વારા તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે.
આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે વીડિયો માધ્યમથી જાહેર નિવેદન આપ્યું હતું. રેશ્મા પટેલે કહ્યું કે, આમ આદમી પાર્ટીના માળિયા હાટીના ભૂતપૂર્વ ઉમેદવાર પિયુષ પરમારે માળીયા તાલુકાના રોડ રસ્તાના કામમાં થતાં ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો. આથી ભ્રષ્ટાચારના કરવા વાળા આકાઓએ ખોટા કેસ કરી તેમના અવાજને દબાવવાની કોશિશ કરી છે.
ઉપરાંત પડકાર ફેંકતા રેશ્મા પટેલે કહ્યું કે, અમે ચૂપ નહીં રહીએ, 3 દિવસનો સમય તંત્રને આપીએ છીએ કે ભ્રષ્ટાચાર થયો તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે, બાકી 3 દિવસ પછી અમે સમગ્ર આમ આદમી પાર્ટી ટીમ માળીયા હાટીના તાલુકામાં ચાલતા રોડ રસ્તાની ચાલુ કામગીરી વાળા સ્થળ પર મુલાકાત કરી અને ફરી લાઈવ આવીને જનતા સમક્ષ ભ્રષ્ટાચારના ચીઠ્ઠા ખોલીશું. તમારામાં તાકાત હોય તેટલાં કેસ કરી દેજો પણ અમે ચૂપ નહીં રહીએ, પિયુષ પરમારને અમે કાનૂની કાર્યવાહીથી ચોક્કસ છોડાવી લઈશું, પણ ભ્રષ્ટાચારીઓ સામે જુકીશું નહીં.