બનાસકાંઠા: માઉન્ટ આબુમાં મિત્રએ જ મિત્ર ઉપર પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ગંભીર રીતે દાઝી ગયેલ યુવક હાલ તો પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
યુવકને સળગાવી દેવાની ઘટના: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ધનપુરા ગામનો મહેન્દ્ર માઉન્ટ આબુમાં નોકરી કરે છે જોકે તે ચાચા મ્યુઝીયમ નજીક આવેલા ચોકમાં ચા પીવા માટે ગયો હતો ત્યારે તેનો મિત્ર દીપક ઉર્ફે કાલુ વાલ્મિકી જ આવ્યો હતો અને મોઢા પર પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દેવા આગ લગાવી દીધી હતી. યુવકના ચહેરા પર આગ લાગી જતા તે ચીસો પાડતો પાડતો નીચે પડી ગયો હતો. આ સમયે આસપાસના લોકોએ તેના મોઢા ઉપર પાણી છાંટીને આગને બુઝાવી હતી. જે બાદ આરોપી મિત્ર દિપક ઉર્ફે કાલુ વાલ્મિકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઘટના સીસીટીવીમાં કેદ થઇ: માઉન્ટ આબુમાં ઘટેલી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં પહેલા આરોપી મિત્ર દિપક વાહનમાંથી પેટ્રોલ નીકળે છે. જે બાદ સીધું જ મહેન્દ્રના મોઢા ઉપર પેટ્રોલ છાંટી દે છે અને આગ લગાવી દે છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગંભીર રીતે દાઝેલા યુવકને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ તેને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લવાયો છે.
પોલીસે પીડિતનું નિવેદન લીધું: યુવકને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરવાની સમગ્ર ઘટના સામે આવતા જ પોલીસ પણ દોડતી થઈ હતી. પીડિત મહેન્દ્રનું નિવેદન લીધા બાદ સીસીટીવી ફૂટેજના આધારે દુશ્મન બનેલા મિત્રને ઝડપી લેવાની દિશામાં તપાસ આરંભી છે. મહત્વનું છે કે, માઉન્ટ આબુમાં દેશભરમાંથી પ્રવાસીઓ હિલ સ્ટેશનની મજા લેવા માટે આવતા હોય છે પરંતુ જાહેર ચોકમાં બનતી આવી ઘટનાઓના કારણે પ્રવાસીઓમાં પણ ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: