સુરત: તરસાડી પીજીપી ગ્લાસ કંપની નજીકથી પસાર થઈ રહેલા મોટર સાઇકલ પર સવાર બે યુવકોને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં બાઇક સવાર એક યુવકનું ગંભીર ઈજાના કારણે ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. બનેલ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર તરૂણભાઇ દોલતભાઇ પરમાર મિત્ર પરેશભાઇ પરમાર સાથે તરસાડી પીજીપી ગ્લાસ કંપની નજીકથી પસાર થઈ રહ્યા હતા. જે દરમ્યાન પાછળથી પુરપાટ આવી રહેલા ડમ્પરના ચાલકે પોતાના કબ્જાનું ડમ્પર ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દઇ આગળ ચાલી રહેલા બાઇક ચાલકને અડફેટમાં લઇ અકસ્માત સર્જી ચાલક ડમ્પર મુકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
જોકે અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક પરેશભાઈ પરમારને માથાના તેમજ શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. તેમજ પાછળ બેઠેલ તરૂણભાઈ પરમારને નાની મોટી ઈજાઓ થતા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગેની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા બનાવનાં સ્થળે દોડી આવેલી પોલીસે કસુરવાર ડમ્પર ચાલક વિરૂધ 279, 337, 338, 304(એ), 177, 184 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
કોસંબા પોલીસ મથકના જમાદાર અરવિંદભાઈએ જણાવ્યું હતું કે બનેલ અકસ્માતની ઘટનાને લઇને કોસંબા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે હાલ ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.