કચ્છ: જિલ્લાના નિમુબેન આજે 120 જેટલી મહિલાને પગભર કરીને પ્રેરણારૂપ બન્યા છે. મૂળ કચ્છના ખાવડાના ગોડપરના અને હાલમાં ભુજના માધાપર ખાતે રહેતા નિમુબેન આહીર કે જેઓ છેલ્લાં 5 વર્ષથી મીરર વર્ક અને ગૂંથણ વર્ક કરે છે.આમ તો આહીર સમાજની મહિલાઓ ભરતગૂંથણનું કામ કરતી જ હોય છે. ત્યારે નિમુબેને કંઇક અલગ કરવાની ભાવના સાથે મીરરવર્ક શરૂ કર્યું હતું. આહીર સમાજની બહેનો નાનપણથી જ પોતાના માટે ચણીયા ચોળી ઘર માટે તોરણ બનાવતા કોઈપણ જાતની નવીનતા ન હતી ત્યારે ઓનલાઇન તેમણે બ્લાઉઝ અને સાડી તેમજ કુર્તીમાં કામ કરવામાં આવે તો સારો એવો રિસ્પોન્સ મળી શકે તેમ છે અને કમાણી કરવાની પણ સારી તક જણાઈ હતી.
ઈન્સ્ટાગ્રામ ફેસબુક પર શરૂ કરી આહીર આર્ટ હેન્ડીક્રાફ્ટ બ્રાન્ડ: નિમુબેને આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના દ્વારા કરવામાં આવતું ભરતગૂંથણનું અને મીરરવર્કનું કામ વિડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પોસ્ટ કરતા અને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જ તેમને ઓર્ડર આવવાના શરૂ થયા હતા અને પોતાની આહીર આર્ટ હેન્ડીક્રાફ્ટ નામની બ્રાન્ડ શરૂ કરી હતી.જેમાં તેમને સફળતા હાથ લાગી હતી.
સૌપ્રથમવાર હૈદરાબાદ એક્ઝિબિશનમાં મળી સફળતા: નિમુબેન આહીરને કળા ક્ષેત્રની સફરમાં હસ્તકલા સેતુ યોજના એ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. શરૂઆતમાં તેઓ ભુજ હાટમાં એક્ઝિબિશન માટે સ્ટોલ રાખતા હતા પરંતુ જોઈએ તેઓ રિસ્પોન્સ મળ્યો ન હતો ત્યારબાદ સરકારી યોજના મારફતે તેમણે આર્ટીઝન કાર્ડ બનાવ્યું હતું અને સૌ પ્રથમવાર હૈદરાબાદ એક્ઝિબિશનમાં ગયા હતા અને પહેલી જ વખતમાં 1.75 લાખનું વેચાણ તેમને કર્યું હતું ત્યારથી તેમનામાં ઉત્સાહ આવ્યો. એક્ઝિબિશનમાંથી સારી કમાણી થવા લાગી અને બહેનોને પણ રોજગારી મળવા લાગી હતી.
હસ્તકલા સેતુ યોજના મારફતે એક્ઝિબિશનમાં સફળતા: નિમુબેનને હૈદરાબાદના એક્ઝિબિશનમાં સફળતા મળ્યા બાદ અમદાવાદ, દિલ્હી, સુરત, રાજકોટ અને આવી જ રીતે પૂરા ભારતમાં યોજાતા વિવિધ એક્ઝિબિશનમાં પોતાના આહીર હેન્ડીક્રાફ્ટની વિવિધ પ્રોડક્ટસનું પ્રદર્શન કરી અને વેચાણ કર્યું હતું. હસ્તકલા સેતુ યોજના મારફતે જ વિવિધ એક્ઝિબિશનની જાણ કરવામાં આવતી હોય છે અને તેમના જ સાથ સહકારથી આજે નિમુબેને પોતાની હેન્ડીક્રાફ્ટની બ્રાન્ડ ઉભી કરી છે. જેના થકી તેઓએ બીજી સ્ત્રીઓને આત્મ નિર્ભર બનાવી છે.
70 રૂપિયાથી શરૂઆત કરી હતી: 70 રૂપિયાના એક બ્લાઉઝથી શરૂઆત કરી હતી અને આજે એક બ્લાઉઝ 7000થી 8000 માં વેંચાઈ રહ્યું છે. આ ઉપરાંત નિમુબેન અને તેમની અન્ય કારીગર મહિલાઓ ચણિયા, કુર્તી, ટેબલ ક્લોથ, બેગ તેમજ નેક્લેસ અને બેલ્ટ જેવી પ્રોડક્ટ્સ પણ બનાવે છે જેમાં ચણિયા 12000થી 15000 રૂપિયાના વહેંચાય છે તો કુર્તી 1500 રૂપિયા અને નેક્લેસ અને બેલ્ટ 500 થી 800 રૂપિયા સુધીમાં વેંચાય છે.
120 જેટલી મહિલાઓને કરી પગભર: નિમુબેનને ઓનલાઈન એટલા બધા ઓર્ડર મળતા ગયા કે, તેમણે પોતાની આસપાસના અને ગામડાની અન્ય બહેનોને પણ કામ આપ્યું અને તેમને આ કલા શીખવાડી હતી. આજે એમની પાસે 120 જેટલી મહિલાઓ કામ કરીને પગભર થઈ છે અને નિમુબેન પણ આ મહિલાઓને દરરોજનું કામ મુજબ મહેનતાણું ચૂકવી દેતા હોય છે. તેમની પાસે કામ કરતી મહિલાઓ પણ દરરોજ ઉત્સાહપૂર્વક કામ કરે છે અને જે કંઈ પણ ઓર્ડર હોય છે, તે ઝડપથી પૂર્ણ કરતા હોય છે.
નવરાત્રિમાં 120 મહિલાઓથી ઓર્ડર પૂરા નથી થઇ શકતા: નવરાત્રિના સમયમાં તો મીરરવર્કની માંગ ખૂબ પ્રમાણમાં રહેતી હોય છે ત્યારે 120 જેટલી મહિલાઓ પણ કામ કરવામાં ઓછી પડે છે. લોકો આવતા વર્ષની નવરાત્રી માટે અત્યારથી બુકિંગ કરાવીને ઓર્ડર આપતા હોય છે. કચ્છમાં આ કળા સાથે અન્ય કારીગરો પણ જોડાયેલા છે ત્યારે નિમુબેનની મોડર્ન ડિઝાઇનના ટોપ, વેસ્ટર્ન બ્લાઉઝ, ચણીયા ચોલી અને કુર્તીમાં કરેલ મીરરવર્ક નવરાત્રીના સમયમાં ખૂબ ચાલે છે.
વાર્ષિક 35 લાખનું ટર્ન ઓવર: નિમુબેનની બ્રાન્ડ આહીર આર્ટ હેન્ડીક્રાફ્ટ આજે વિદેશમાં પણ પહોંચી છે અને તેમને અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમજ ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ ઓર્ડર આવતા હોય છે. એક સમયે તેમની બ્રાન્ડનો વાર્ષિક ટર્ન ઓવર 1.5 લાખ રૂપિયા હતો જે આજે 35 લાખ પર પહોંચ્યો છે. નિમુબેન આજે કચ્છની અન્ય મહિલાઓ માટે પણ એક પ્રેરણારૂપ બન્યા છે અને નાની બ્રાન્ડને મોટી બ્રાન્ડ બનાવવા માટેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મહિલાઓને સમયસર મહેનતાણાની ચુકવણી: નિમુબેન આહીર પાસે 2 વર્ષથી કામ કરતા જશોદાબેન સુથારે જણાવ્યું હતું કે, નિમુબેન પાસેથી તેઓ ભરતગૂંથણનું કામ મેળવે છે અને જ્યારે કામ પૂર્ણ થઈ જાય છે ત્યારે જ સમયસર તેમને નિમુબેન મહેનતાણું આપે છે. નિમુબેનનો સ્વભાવ ખૂબ સારો છે અને તેઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ છે અને તેમના કારણે અન્ય મહિલાઓને રોજગારી પણ મળી રહી છે.