રાજકોટ: ગોંડલ તાલુકાના શિવરાજગઢની સીમમાં પાટડી વિસ્તારમાં આવેલી વાડીમાં કાચા મકાનનો નળિયા સહિતનો કાટમાળ પડતા મહીલાનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે વાડી માલિકને ઇજાઓ પહોંચતા ગોંડલની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શિવરાજગઢમાંથી મળતી વિગત મુજબ અંગત પળો માણતી વખતે કાટમાળ પડવાથી મોત થઇ હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે એ પણ જાણવા મળ્યું છે કે આ મહીલા મહારાષ્ટ્રની રહેવાસી છે.
વાડીના મકાનમાં કાટમાળ પડતા મહિલાનું મોત: આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શિવરાજગઢ ગામે પાટડી નામના સીમ વિસ્તારમાં આવેલી જેન્તીભાઈ ઉર્ફે જેનો બાબુભાઇ ઠુંમરની વાડીમાં નળીયાવાળા કાચા મકાનની મોડી રાતના સમયે દીવાલ ધરાશાઇ થતાં મહારાષ્ટ્રથી બોલાવેલી મહીલાનું મોત થયું હતું. જ્યારે વાડી માલિક જેન્તીભાઈને ઇજા થતા સારવાર અર્થે ગોંડલ ખસેડાયા હતા.
મહિલાના મૃતદેહને હોસ્પિટલે ખસેડાયો: આ બનાવનાં પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહીલાનાં મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યારે પોલીસ સુત્રો અનુસાર મહીલાનો મોબાઇલ ઘટના સ્થળેથી મળ્યો હતો. તેમાં છેલ્લા નંબર પર કોલ કરતા મીતલ નામની મહીલાએ કોલ ઉપાડ્યો કર્યો હતો. ત્યારે મહીલાનું નામ ઉર્મિલા ઉર્ફે મીના અશ્વિનભાઇ મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વધુમાં મૃતક તેની બહેનપણી હોવાનું કહ્યું હતું અને તેના જમાઈ જયેશનો નંબર આપ્યો હતો.
મૃતક મહિલા મહારાષ્ટ્રની રહેવાસી: આ બાબતે પોલીસે મૃતક મહિલાના જમાઇ જયેશને ફોન કરતા તેણે મૃતકની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યાનું કહીને મૃતક મહિલા મહારાષ્ટ્રની હોવાનું જણાવ્યું હતું અને તેના પરિવારનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો. જ્યારે આ બાબતે મૃતક મહિલાનો જમાઇ કંઇ જ ન જાણતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃતક મહિલાના પરિવાર સાથે સંપર્ક કરતા પોલીસે મહારાષ્ટ્રમાં મૃતકના પરિવાર સાથે સંપર્ક કરતા તેના પરિવારજનો ગોંડલ આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
વાડી માલિકે અને મિત્રોએ મહિલાને બોલાવી: હાલમાં મૃતક મહિલાના મૃતદેહને હોસ્પિટલ ખાતે રખાયો છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ મહિલાને વાડી માલિક અને તેના મિત્રો દ્વારા રંગરેલિયા મનાવવા માટે શિવરાજગઢ બોલાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે વહેલી સવારે વાડીના કાચા મકાનમાં મહીલા સાથે અંગત પળો માણતી વખતે કાટમાળ પડ્યો હતો. વાડીમાલિક અત્યારે સારવાર હેઠળ છે. આ ભેદભરમ વાળી ઘટનામાં સઘન પૂછપરછ થાય તો જ સાચી હકીકત બહાર આવે તેવી શક્યતાઓ છે. આ બાબતમાં પોલીસે કેટલાક યુવાનોની પૂછપરછ હાથ ધરી છે.