કચ્છ: શિક્ષક કભી સાધારણ નહીં હોતા. દરેક શિક્ષક પોતાની આગવી શૈલીથી બાળકોને શિક્ષણ પૂરું પાડીને પોતાની મહત્વની ભૂમિકા વિદ્યાર્થીઓના જીવનમાં ભજવતા હોય છે. ત્યારે આજે આપણે વાત કરીશું ભુજના ભૂજોડી પ્રાથમિક શાળાના શિક્ષક મિતેશ પીઠડિયાની કે જેઓ ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને સરળ રીતે અભ્યાસ કરાવે છે અને વિદ્યાર્થીઓના પસંદીદા અને એક ઓલરાઉન્ડર શિક્ષક છે.
ભુજની સરકારી શાળાના અનોખા શિક્ષક: ભુજ તાલુકાના ભુજોડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા મિતેશ પીઠડિયા કે જેમણે 2007 થી શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી હતી. તેઓ શિક્ષક તરીકે ઉચ્ચ અભ્યાસ કરી ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. કોવિડ 19 ના સમયમાં પણ કચ્છમાં સૌપ્રથમ ગ્રીન રેકોર્ડિંગ સ્ટુડિયોનું નિર્માણ કરી સ્વયંશિક્ષિત ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યના બાળકો માટે પાઠ્યપુસ્તક તથા શિક્ષક તાલીમ મોડ્યુલર નિર્માણ લેખન કામગીરીમાં તેઓ સામેલ છે. તેમજ ધોરણ 3 થી 8 માટેની કમ્પ્યુટર માટે રાજ્યકક્ષાએ GCERT દ્વારા બનાવવામાં આવેલ અભ્યાસક્રમ રચના સમિતિમાં પણ તેઓ સામેલ છે. વિદ્યાર્થીઓને તેઓ ટેકનોલોજી સાથે અભ્યાસ કરાવે છે. સાથે સાથે શાળા સમય બાદ અન્ય સરકારી કામગીરીઓમાં પણ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. બાળકો તેમની એક્ટિવીટી સાથેના અભ્યાસ અને ટેકનોલોજી સાથેના અભ્યાસ થી પણ પ્રભાવિત છે અને પસંદ કરે છે.
B.A. with Economics માં ગોલ્ડ મેડલ: મિતેશ પીઠડિયાનો જન્મ 4 ઓગસ્ટ 1987ના રોજ માધાપર ખાતે થયો હતો. તેમણે અભ્યાસમાં B.A. વીથ Economics કર્યું છે. જેમાં તેઓ ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યા છે. તેમજ વ્યવસાયિક લાયકાતમાં તેઓ પી.ટી.સી. છે. તેઓ કચ્છના તેઓ એક માત્ર શિક્ષક છે કે જેસમાજિક વિજ્ઞાન સ્ટેટ રિસોર્સ ગ્રુપના સભ્ય છે. તેમજ ધોરણ 3થી 8 કમ્પ્યુટર અભ્યાસક્રમની રાજ્યકક્ષા સમિતિના સભ્ય છે.
શૈક્ષણિક કારકિર્દી: વર્ષ 2007માં ભુજ તાલુકાના ધાણેટી ગ્રુપ પ્રાથમિક શાળામાં તેમને શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી હતી. તો આજ દિન સુધી તેઓ અનેક પ્રકારની તાલીમોમાં તજજ્ઞ તરીકે કામગીરી કરી છે.વિદ્યાર્થીઓને શાળા સમય પછી તેમજ વેકેશન દરમિયાન NMMS, PSE, SSE, નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શાળામાં ખાસ વર્ગોનું આયોજન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. વેકેશન દરમિયાન પણ તેઓ શાળામાં કમ્પ્યુટર વર્ગો ચલાવે છે. ભુજના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે રેકર્ડિંગ સ્ટુડિયોનું નિર્માણ કરીને 150 જેટલા શિક્ષકોને તાલીમ પણ આપી છે. પોતાની યુટ્યુબ ચેનલ SwayamShikhist મારફતે ઓનલાઈન શિક્ષણ ચાલવી 300 જેટલા વિડિયો પણ બનાવ્યા છે.
રાષ્ટ્રીય કામગીરીમાં માસ્ટર ટ્રેનર: આ ઉપરાંત મિતેશ પીઠડિયા ઈલેકશન, મતદારયાદી સુધારણા જેવી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કામગીરીમાં માસ્ટર ટ્રેનર તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. સાથે સાથે DIKSHA Platform પર કચ્છી ભાષા ઓનલાઈન તાલીમ કોર્સ પાર્ટ - 1 અને 2માં ટેકનિકલ તજજ્ઞ તરીકે પણ તેમણે કામગીરી કરી છે. રાજ્યકક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલમાં વર્ષ 2021 અને 2022 એમ સતત બે વર્ષ માટે કચ્છનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. PTC/B.Ed ના તાલીમાર્થીઓને TET/TAT પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારમાં પણ તજજ્ઞ તરીકે ભૂમિકા ભજવી છે.
સરકારી કામગીરીમાં પણ ભૂમિકા: શિક્ષક મિતેશ પીઠડિયા દ્વારા ધોરણ 6 થી 8 ના તમામ વિષયોની એકમવાર ફ્લેશબેઝ્ડ ક્વિઝ પણ કરવામાં આવે છે. શૈક્ષણિક સેવાઓની સાથોસાથ મિતેશ પીઠડિયા જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત કચેરી, શિક્ષણ શાખા મધ્યે જરૂરિયાત હોય ત્યારે શિક્ષક ભરતી, બદલી, સેટઅપ, રોસ્ટર રજીસ્ટર, ગુણોત્સવ જેવી કામગીરીઓમાં કમ્પ્યુટર નિષ્ણાત તરીકે પણ સેવા આપે છે.
એવોર્ડ્સ અને સન્માન: વર્ષ 2017માં શિક્ષકને રોટરી ઈન્ડિયા સાક્ષરતા મિશન અંતર્ગત નેશન બિલ્ડર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2021માં શિક્ષણ વિભાગ દ્વારા ભુજ તાલુકાન શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2021-22 માં GIET, અમદાવાદ દ્વારા વિદ્યાવાહક તરીકે કામગીરી બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે જ ઇનોવેટિવ શિક્ષક તરીકે રાજ્યકક્ષાએ યોજાયેલ ઇનોવેશન ફેસ્ટિવલ, ઇડર ખાતે પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 2021-22 માં ભુજની HUM સંસ્થા દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તો વર્ષ 2022-23 માં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક તરીકે તેમને સન્માનીત કરવામાં આવ્યા હતા. વર્ષ 2022માં પરમ પૂજ્ય સંત મોરારિબાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ પણ તેમને એનાયત થયો હતો. ગત વર્ષે કચ્છના શિક્ષણ વિભાગ દ્વારા પણ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
આવા શિક્ષક મળવા એ ખૂબ સૌભાગ્યની વાત: વિદ્યાર્થીઓ પણ મિતેશ પીઠડિયા પાસે અભ્યાસ કરીને ખૂબ આગળ વધી રહ્યા છે. તેમજ નામના મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓની કહેવું છે કે, તેમના મિતેશ પીઠડિયા સાહેબની અભ્યાસ કરાવવાની રીત બીજા શિક્ષકો કરતા જુદી છે. જેના કારણે તેમને સાહેબ પાસે ભણવાની ખુબ મજા આવે છે અને ખાસ કરીને સરકારી શાળામાં આવા શિક્ષક મળવા એ ખૂબ સૌભાગ્યની વાત છે.
સરની નિવૃત્તિ પણ અમારી શાળામાં જ થાય તેવી આશા: અન્ય વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના માધ્યમથી સર ખૂબ સારી રીતે ઉંડાણપૂર્વક અભ્યાસ કરાવે છે. જેના કારણે સહેલાઈથી યાદ રહી જાય છે અને મુદ્દા પણ યાદ રહી જાય છે. જેથી કરીને પરીક્ષામાં પણ ખૂબ સારા માર્કસ આવે છે અને મદદરૂપ થાય છે. કોરોના સમયે યુટ્યુબ ચેનલથી પણ ખૂબ સારી રીતે ભણાવ્યું હતું આશા છે કે અમારા આ સરની નિવૃત્તિ પણ અમારી શાળામાં જ થાય.
એકિટીવિટી અને રમત સાથે અભ્યાસ: વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, મિતેશ પીઠડિયા સર ખૂબ સારી રીતે અભ્યાસ કરાવે છે. તેઓ એકિટીવિટી અને રમત સાથે અભ્યાસ કરાવે છે. જેના કારણે અભ્યાસક્રમના પાઠો સરળતાથી યાદ રહી જાય છે. સાહેબ દિલથી ખૂબ સારા સ્વભાવના છે.
આ પણ વાંચો: