વલસાડ: જિલ્લામાં ચોમાસુ શરૂ થતાં જ ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાય છે. મચ્છર જન્ય રોગ હોવાને કારણે ચોમાસા દરમિયાન ગ્રામીણ કક્ષાએ તે વધુ વકરી રહ્યો છે. વલસાડના અબ્રામા ખાતે 23 વર્ષીય યુવતીનું સારવાર દરમ્યાન મોત થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 20 કેસ ડેન્ગ્યુના સરકારી ચોપડે નોંધાયા છે.
3 દિવસથી ડેન્ગ્યુની સારવાર લઈ રહેલી 23 વર્ષીય યુવતીનું મોત: વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા મિશ્રા પરિવારની 23 વર્ષીય દીકરી અર્પણા છેલ્લા ત્રણ દિવસથી ડેન્ગ્યુની બીમારીથી પીડાતી હતી અને સારવાર લઈ રહી હતી. વલસાડની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ અચાનક જ એના પ્લેટલેટ ઘટી જતા મલ્ટી ઓર્ગન ફેલિયરનો તે શિકાર બની હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. 23 વર્ષીય દીકરીનું મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાય છે.
કયા મચ્છર કરડવાથી ડેન્ગ્યુ ફેલાય છે: ડેન્ગ્યુ ચેપગ્રસ્ત માદા એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. મુખ્યત્વે એડીસ એજીપ્ટી અને એડીસ આલ્બોપિક્ટસ. આ મચ્છર સમગ્ર વિશ્વમાં ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે. જ્યાં પાણી વધુ એકત્રિત થતું હોય ત્યાં મચ્છરોની ઉત્પત્તિ વધુ થાય છે.
ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે
1. મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે છે: જ્યારે એડીસ મચ્છર ડેન્ગ્યુથી સંક્રમિત વ્યક્તિને કરડે છે, ત્યારે તે વાયરસને ગ્રહણ કરે છે.
2. વાયરસ મચ્છરમાં રહે છે: વાયરસ મચ્છરના શરીરમાં 8-10 દિવસ સુધી રહે છે.
3. મચ્છર અન્ય વ્યક્તિને કરડે છે: જ્યારે ચેપગ્રસ્ત મચ્છર અન્ય વ્યક્તિને કરડે છે, ત્યારે તે વાયરસને તેમના લોહીના પ્રવાહમાં દાખલ કરે છે.
4. વાયરસ ચેપનું કારણ બને છે: વાયરસ નવા હોસ્ટમાં ડેન્ગ્યુ ચેપનું કારણ બને છે.
સ્થાયી પાણી: એડીસ મચ્છર ઉભા પાણીમાં ઉછરે છે, જેમ કે ફ્લાવરપોટ્સ, ડોલ અને ભરાયેલા ગટર. શહેરી વિસ્તારમાં વસ્તીની ગીચતા અને નબળા કચરાના વ્યવસ્થાપનને કારણે શહેરી વિસ્તારોમાં ડેન્ગ્યુ ઝડપથી ફેલાય છે વાઇરસ જન્ય ચેપી રોગ હોવાથી તે મચ્છરોથી વધુ ફેલાય છે.
રોગપ્રતિકારક શક્તિનો અભાવ: જે લોકોને અગાઉ ડેન્ગ્યુનો ચેપ લાગ્યો ન હોય અને રોગ પ્રતિકારક શકિત ઓછી હોય એવા દર્દી વાયરસ માટે વધુ સંવેદનશીલ હોય છે. તેઓને ડેન્ગ્યુ નો વાઇરસ જલ્દી જકડી લે છે.
કેવા પ્રકારની સુરક્ષા કરવી જોઈએ:
- મચ્છર નિયંત્રણ:- ઉભા પાણીને દૂર કરો, મચ્છરદાનીનો ઉપયોગ કરો અને જંતુનાશકોનો ઉપયોગ કરો.
- વ્યક્તિગત સુરક્ષા: રક્ષણાત્મક વસ્ત્રો પહેરો, જંતુ ભગાડવાની દવાઓ લાગુ કરો અને મચ્છરના પીક અવર્સ દરમિયાન ઘરની અંદર રહો.
- રસીકરણ: ડેન્ગ્યુની રસી કેટલાક દેશોમાં એવા લોકો માટે ઉપલબ્ધ છે જેઓ અગાઉ ડેન્ગ્યુથી સંક્રમિત થયા હોય.
વલસાડમાં કુલ 27 ડેન્ગ્યુના કેસ નોંધાયા: આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 27 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. મેલેરિયાના છ કેસ અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે. વલસાડમાં 23 વર્ષીય યુવતીના મોત બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને જિલ્લામાં સર્વેની કામગીરી માટે 641 જેટલી ટીમો કાર્યરત કરી છે.
દવાઓનો છંટકાવ કરાયો: જિલ્લામાં ડેન્ગ્યુના 27 જેટલા કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 51,527 ઘરોનું સર્વે કરવામાં આવ્યું છે. તમામ શંકાસ્પદ જણાતા અને તાવ આવતા દર્દીઓના કુલ 7,466 લોકોના લોહીના નમુના લેવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 641 જેટલી સર્વેન્સની ટીમો કામ કરી રહી છે..
આરોગ્ય વિભાગ સતર્ક: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ મેલેરિયા ઓફિસર ડોક્ટર વિરેનએ જણાવ્યું કે "આરોગ્ય વિભાગ ડેન્ગ્યુને લઈને ખૂબ સતર્ક છે. જિલ્લામાં 641 ટિમો કાર્યરત છે. અત્યાર સુધીમાં 1890 જેટલા ઘરોમાં ઇનસેકટી સાઈડ દવાઓ ઘરોની આસપાસમાં ખુલ્લી જગ્યામાં જ્યાં પાણી એકત્ર થાય છે ત્યાં નાખવામાં આવી રહી છે જ્યારે 131 જેટલા ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે" આમ વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુમાં 23 વર્ષીય યુવતીના મોત બાદ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તો બીજી તરફ મચ્છરજન્ય રોગ ન વધે અને વધુ ન વકરે તે માટેની કામગીરી શરૂ કરી છે.
આ પણ વાંચો