ગાંધીનગર: દેશમાં મહાનગરપાલિકાઓ માટે ગાર્બેજ મેનેજમેન્ટ એક માથાનો દુખાવો બન્યું છે. ત્યારે ગાંધીનગરની શિક્ષિકાએ ઘરે જ કચરામાંથી ખાતર બનાવીને ગાર્બેજ મેનેજમેન્ટનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો મહાનગરોમાં દરેક ઘરોમાં ઘન કચરામાંથી ખાતર બનાવવામાં આવે તો પીરાણામાં જોવા મળતો કચરાનો ડુંગર ઓછો થઈ શકે અને સરકાર માટે માથાના દુખાવા સમાન બનેલી વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યા દૂર થઈ શકે છે. તો ચાલો જોઈએ ETV ભારતનો આ વિશેષ અહેવાલ...
કચરાથી મચ્છરનો ખતરો: કચરો કે ઉકરડો નામ સાંભળતા જ લોકોના મો બગડી જાય છે. તમને ખબર છે આ કચરાનો જો સદ્ઉપયોગ કરવામાં આવે તો ઘણો ઉપયોગી થઇ શકે છે. હાલ મહાનગરોમાં કચરાની સમસ્યા માથાના દુખાવા સમાન છે. કચરાના લીધે ચોમાસામાં ઘણી ગંદકી થાય છે. આ ગંદકીને લીધે મચ્છરો થાય છે. જેનાથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી અનેક બીમારીનો શિકાર માણસ બને છે.કચરાના ઉપયોગથી ઘરે ખાતર બનાવી ખેતર, બગીચામાં, ટેરેસ ગાર્ડનમાં ઉપયોગ કરી શકાય છે. ગાંધીનગરનો એક પરિવારે ઘરનો કચરાનો ઉપયોગ કરીને ખાતર બનાવે છે.
મહિલાઓ ખાતર બનાવીને આત્મનિર્ભર બની શકે: ગાંધીનગર સેક્ટર 1માં રહેતા પલ્લવીસિંગે જણાવ્યું કે, તેઓ પોતાના ઘરના સૂકા કચરા, ગાર્ડનના કચરા અને શાકભાજીને ફળોના છોતરામાંથી ઘરે જ ખાતર બનાવે છે. છેલ્લા 8 વર્ષથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેમને સ્વચ્છતા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રમાણે ખાતર બનાવવાથી છોડ અને વૃક્ષોને ફળદ્રુપતામાં વધારો જોવા મળે છે. સાથે જ તેમને કોરોનાકાળમાં પોતાના ટેરેસ પર શાકભાજી અને અન્ય ફળો પણ ઉગાડ્યા હતા. આ પ્રકારનું ખાતર ઘરે બનાવવાથી પ્રદૂષણ પણ અટકાવી શકાય છે. બજારમાંથી મળતા ખાતરમાં રસાયણો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક હોય છે. દરેક લોકોએ પોતાનો કચરો ફેંકવાની જગ્યાએ તેમાંથી ખાતર બનાવું જોઈએ. આ સાથે તેમને જણાવ્યું કે, આ માત્ર ઘર માટે નહી પરંતુ મહિલાઓ આવું ખાતર બનાવી તેનું વેચાણ કરીને પણ આત્મનિર્ભર બની શકે છે. આ પ્રકારનું ખાતર બનાવું ખુબ જ સરળ છે.
બે દીકરીઓ પણ આપી રહી છે સહકાર: ઘરે ખાતર બનાવાથી પ્રદૂષણ ઓછું થાય છે તેમની દીકરી અનન્યાસિંગે જણાવ્યું કે, અમને અમારી માતામાંથી પ્રેરણા મળી છે. પહેલા અમે અમારો મોટા ભાગનો સમય મોબાઈલ અને ટી.વી.જોવામાં અને વાપરવામાં પસાર કરતા હતા. પરંતુ મમ્મીને ખાતર બનાવતા અને ગાર્ડનિંગ કરતા જોઈ એમને પ્રેરણા મળી અને એમને ખુબજ ગમ્યું. ગાર્ડનિંગના લીધે અહીં ખૂબ પક્ષીઓ આવવા લાગ્યા. જેથી એમને રસ પાડવા લાગ્યો આજે અમારા ઘરમાં 4 થી 5 પક્ષીઓના માળા છે. અમે અમારી સ્કૂલમાં પણ આ કાર્ય વિશે મિત્રો અને અન્ય લોકોને જણાવીએ છે. જેથી લોકો કચરાનો સદ્ઉપયોગ કરીને સ્વચ્છતામાં પોતાની ભાગીદારી આપે.
સિંગ પરિવારે વેસ્ટ મેનેજમેન્ટનું ઉદાહરણ આપ્યું: પલ્લવીસિંગની પુત્રી આધ્યાએ જણાવ્યું કે, દિન પ્રતિદિન ગરમી વધતી જાય છે તેની પાછળનું મુખ્ય કારણ વૃક્ષો ઓછા થવા અને કોન્ક્રીટના જંગલોનો વિકાસ થવો છે. જો આમને આમ ચાલતું રહ્યું તો આગામી સમયમાં ગરમીમાં જીવવું ખૂબ અઘરું બની જશે. માટે જ લોકો વધુમાં વધુ ઘરે અને પોતાની આસપાસ વૃક્ષો ઉગાડે. જેનાથી ગરમીમાં રાહત મળે સાથે જ ઘરે જ ખાતર બનાવે જેથી પ્રદૂષણ પણ અટકાવી શકાય. ગાંધીનગરમાં રહેતા સિંગ પરિવારે પોતાના ઘરે જૈવિક ખાતર બનાવીને વેસ્ટ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો આવી જ રીતે દરેક પરિવારો પોતાના ઘરે કચરામાંથી જૈવિક ખાતર બનાવતા થાય તો મહાનગરપાલિકાની વેસ્ટ મેનેજમેન્ટની વિકરાળ સમસ્યા ઓછી થાય છે. મહાનગરપાલિકાના વહીવટદારો માટે માથાનો દુખાવો બનેલા કચરાના ડુંગરો પણ ઘટી શકે છે. કચરાના ડુંગર અને કારણે ફેલાતો પ્રદૂષણ પણ ઓછું થઈ શકે છે.