બનાસકાંઠા: વ્યક્તિને તેના બાળપણમાં જ યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન મળી રહે તો તે વ્યક્તિ જીવનમાં સફળ બને છે અને રાષ્ટ્રના નવ નિર્માણમાં મહત્વનું યોગદાન આપે છે. બનાસકાંઠા જીલ્લાના ડીસામાં નરેશ જોષી નામના શિક્ષક હિન્દૂ ઘર નામથી છેલ્લા 13 વર્ષથી સલ્મ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના દીકરા દીકરીઓ સારું શિક્ષણ મેળવીને પોતાના પરિવારનું નામ રોશન કરે તે માટે નિઃશુલ્ક ટ્યૂશન કલાસીસ કરાવી રહ્યા છે.
શિક્ષક 13 વર્ષથી બાળકોને નિશુલ્ક શિક્ષણ: ડીસામાં છેલ્લા 13 વર્ષથી એક શિક્ષક સાચા અર્થમાં શિક્ષકની ફરજ અદા કરી રહ્યા છે. 34 વર્ષીય નરેશ જોષી તેઓ એક ખાનગી શાળામાં ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે. છેલ્લા 13 વર્ષથી હિન્દુ ઘર ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે. જેમાં ડીસા શહેરમાં વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકોને નિશુલ્ક શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છે.
શિક્ષક પોતાના ખર્ચે બાળકોને શિક્ષણ કીટ આપી: ડીસામાં નરેશ જોષી છેલ્લા 13 વર્ષથી અલગ અલગ વિસ્તારમાં ગરીબ પરિવારમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય સાથે બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છે. તેમણે પોતાના સ્વખર્ચે બાળકોને શિક્ષણ કીટ આપી ગમ્મતની સાથે બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છે.
13 વર્ષમાં 100 બાળકોને તૈયાર કર્યા: અત્યારે તેમની પાસે નાના બાળકોથી ધોરણ 8 સુધી અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.નરેશ જોષી દ્વારા અપાતા અનોખા શિક્ષણને મેળવવા બાળકો પણ તેમની પાસે સામેથી શિક્ષણ મેળવવા આવી રહ્યા છે. તેમના દ્વારા છેલ્લા 13 વર્ષમાં 100 જેટલા બાળકોને તૈયાર કરી શાળાના પગથીયે ચડાવ્યા છે.અત્યારે તે બાળકો સારું શિક્ષણ મેળવી રહ્યા છે.