કચ્છ: આજના ઈલેક્ટ્રોનિક સાયબર યુગમાં આપણી પરંપરાગત શેરી રમતો વિસરાઈ ગઈ છે. શેરી રમતો રમતાં રમતાં જીવનના કૌશલ્યો આત્મસાત્ થઈ જતા ગણતર અને ઘડતરમાં શેરી રમતો મહત્ત્વનો ભાગ ભજવતી હતી. કાળક્રમે વિસરાઈ રહેલી આ વિરાસતને જાળવી લોકજીવનમાં પુનઃસ્થાપિત કરવાના હેતુ સાથે ભુજના આર.ડી.વરસાણી હાઇસ્કુલ ખાતે શેરી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકજીવનમાં પુનઃસ્થાપિત કરવા પ્રયત્ન: વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકસે માટે મહત્વની રમતોને પુનર્જીવિત કરવા માટે લેઉવા પટેલ સમાજની કુમાર શિક્ષણ સંસ્થા રતનબેન દેવજી વરસાણી વિદ્યાલય પહેલ કરી છે ત્યારે લાલજી રૂડા પીંડોળિયા રમતગમત સંકુલ ગ્રામ્ય શેરી રમત મહાકુંભથી ગુંજી ઉઠ્યું હતું. આ શેરી રમત ઉત્સવ આયોજનમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
શેરી રમતોત્સવમાં વિવિધ શેરી રમતો રમાઈ: આ શેરી રમતોત્સવમાં સોમ-મંગળ, થમ્સઅપ, બોલ હિટીંગ, લોટ પીપર, ખીચડો, કલર-કલર, 5-5 સ્ટોપ, ઢંઢીઘોડી, બોલપાસ, ખારોપટ્ટો, દરિયો-દરિયો, માટલાફોડ, સતોડિયો, ગીલ્લીડંડ્ડો, લખોટી, રસ્સાખેંચ, ભમરડો ,પૈડારેસ, સોનાનું રૂમાલ, લંગડી વગેરે જેવી શેરી રમતો રમવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. વિદ્યાર્થીઓના રમત બાદ વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ભાગ લીધો હતો. આ સાથે પોતાના બાળપણના દિવસની યાદગાર ક્ષણો યાદ કરી હતી.
દરેક શાળા અને સમાજ દ્વારા આવા આયોજન થાય: ભુજની આર.ડી. વરસાણી હાઈસ્કૂલમાં નાના મોટા સૌ માટે વિવિધ વિભાગોમાં 22 જેટલા મેદાનો તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારે રમતના નિયમો કૌશલ્ય પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. દરેક રમતના વિજેતાઓને મેડલ તેમજ પ્રમાણપત્ર સંસ્થા તરફથી આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના વાલીઓએ પણ રમતો રમી હતી અને તેમના દિલ દિમાગમાં ધરબાયેલ શેરી રમત મેદાનોમાં પ્રગટ થયા હતા. આગામી સમયમાં આવા આયોજન દરેક સમાજ અને દરેક શાળાઓમાં કરવામાં આવે તથા આ આયોજનના ભાગરૂપે દ્વિતીય ચરણમાં પટેલ ચોવીસીના ગામોમાં પણ આવા રમતોત્સવનું આયોજન કરવામાં આવશે.