રાજકોટ: ગુજરાતમાં મંજુર થયેલા પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયાની સાથે જ પુરજોશમાં કાર્યરત કરવામાં આવી છે જેમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ), ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ), મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમજીવીસીએલ) અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) એકી સાથે ચાલુ કરવામાં આવી હોવાથી ગ્રાહકોનાં મનમાં ઘણી શંકાઓ જન્મી છે. નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન અંતર્ગત સમગ્ર ભારતમાં કુલ 22.23 કરોડ પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરો લગાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી કુલ 1.10 કરોડ મીટરો લાગ્યા છે, એટલે દેશનાં સંપૂર્ણ આયોજનની માત્ર 5 ટકા જ કામગીરી પૂર્ણ થઈ છે.
ગુજરાતમાં મંજુર થયેલા મીટર: ભારતનાં 22.23 કરોડ સ્માર્ટ મીટરોનાં આયોજનમાં ગુજરાતમાં કુલ 1.65 કરોડ મીટરો લગાવાની મંજૂરી મળેલ છે, અને આ યોજનાની કામગીરી ચૂંટણી પૂર્ણ થયે હાથ ધરવામાં આવતા ચારેકોરથી ઉહાપોહ થયો છે. ચૂંટણી પૂર્ણ થયે અચાનક અને આક્રમક રીતે પોસ્ટ-પેઈડ મીટર્સને પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર્સ વડે બદલવાની યુદ્ધનાં ધોરણે હાથ ધરવામાં આવેલી કામગીરીએ નાગરિકોનાં મનમાં અનેકો અનેક શંકાઓ ઉપજાવી છે. ગુજરાતમાં મંજુર થયેલા 1.65 કરોડ પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરો સામે માત્ર 67,856 સ્માર્ટ મીટરો જ લાગ્યા છે, એટલે ગુજરાત માટે કુલ મંજુર થયેલા આયોજનની માત્ર 0.41% જ કામગિરી થઈ છે. એ પરિસ્થિતિમાં ચૂંટણીની આચારસંહિતા કાર્યરત હોવા છતાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની રાજકોટ સ્થિત વડી કચેરીનાં અધિકારીઓએ મીડિયા થકી આ મુદ્દે ક્યાંક સ્પષ્ટીકરણ કરવા પ્રયત્નો હાથ ધર્યા અને એક પ્રેસ-વાર્તાનું આયોજન કરાયું હતું. જો કે પ્રેસવાર્તા કોઈ ચોક્કસ દિશા વગર એક પ્રકારે એક્ટીવિઝ્મ તરફ ઘસી જતા, ETV BHARAT એ આ મુદ્દે સંલગ્ન અધિકારી સાથે એકઝકલયુઝીવલી (વિશિષ્ટ રીતે) વાત કરવાનું મુનાસીબ સમજી અને આ મુદ્દે પ્રકાશ પાડવા વિશિષ્ટ પ્રશ્નોત્તરી કરી.
300 રૂપિયા સુધીની ઉધારી: રાજકોટ સ્થિત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનાં ચીફ એન્જીનીયર આર.જે. વાળા સાથે વાત કરતાં જણાયું કે, કોઈપણ પરિસ્થિતિમાં પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવ્યા પછી ગ્રાહકને 300 રૂપિયા સુધીની ઉધારી મળવાપાત્ર રહેશે તેમજ ગ્રાહકો ઓછામાં ઓછું 100 રૂપિયાનું રિચાર્જ કરાવી શકશે અને એ રકમ ખતમ થતાં વીજ કનેક્શન કપાઈ જાય તેવી પરિસ્થતિ સર્જાશે નહીં. રૂફ-ટોપ સોલાર લગાવનારા ગ્રાહકો માટે પ્રિ-પેઈડ મીટરની વ્યવસ્થા હાલ અસ્થાને છે. કારણ કે, તેઓ જેટલી વીજળી પેદા કરે છે અને જેટલી વીજળી વાપરે છે તે મુજબ તેઓ ક્રેડિટને પાત્ર હોય. પ્રિ-પેઈડ મીટર લગાવ્યા પછી બિલ વધુ કેમ આવે છે? તે પ્રશ્નનાં જવાબમાં વાળા જણાવે છે કે, 'પોસ્ટ-પેઈડ મીટરની બિલિંગ સાયકલ દરમ્યાન પ્રિ-પેઈડ મીટર લાગ્યું હોય, એ પેમેન્ટ સાયકલ દરમ્યાન થયેલા વીજ વપરાશની કિંમત ઉપરાંત પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરની કિંમત ઉમેરવામાં આવતા આ પહેલી વખત ભાવ મોંઘો લાગે છે, પરંતુ મૂળ વીજ-ટેરિફ જે ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશન નક્કી કરે છે તે મુજબ જ રહે છે તેમાં કોઈ વધારો કે ઘટાડો કરવામાં નથી આવતો'.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ: પીજીવીસીએલ હસ્તક કુલ 57 લાખ મીટરોનો વહીવટ છે, જેમાં 47 લાખ મીટરો રહેણાક અને કોમર્શિયલ મીટરો લાગેલા છે, જેમાં 70 ટકા રહેણાક મીટરો છે જ્યારે 30 ટકા કોમર્શિયલ મીટરો છે, તદુપરાંત 11 લાખ કૃષિ મીટરો છે, આમ કુલ 57 લાખ મીટરો પીજીવીસીએલની ખાતાવહીમાં હાલ નોંધાયેલ છે. આ તમામે તમામ પોસ્ટ-પેઈડ મીટરોને પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર વડે બદલવા માટે પીજીવીસીએલ બે તબક્કામાં કામ કરશે. જેમાં પહેલા તબક્કામાં 23 લાખ મીટરો બદલવાનું આયોજન છે, જ્યારે બીજા તબક્કામાં અન્ય 34 લાખ મીટરો બદલવાનું આયોજન છે, જે બે વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય પીજીવીસીએલ ધરાવે છે. આ આયોજનને વધુ પરિમાણલક્ષી બનાવવા પીજીવીસીએલ દ્વારા મોબાઈલ એપ પણ બનાવવામાં આવી છે. જે ગ્રાહકોને એકંદર ઉર્જા સંરક્ષણ તરફ લઈ જવા પ્રેરે છે તેમજ પ્રોત્સાહિત કરે છે. હાલ તો પીજીવીસીએલનાં આધિકારીઓ આ આયોજનને કોઈ ખાનગીકરણ તરફ લઈ જવાની વાતને સ્પષ્ટપણે નકારી રહ્યા છે અને આ આયોજનને ઉર્જા સંરક્ષણ હેતુથી જ કાર્યરત કરવામાં આવ્યું હોવાની વાતને વળગી રહ્યા છે. પણ શું ખરેખર આ ખાનગીકરણ માટેનો કોઈ ચોક્કસ દાવ છે કે નહિ, એ તો આવનારો સમય જ કહેશે.