ખેડા: હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે નદી, ડેમ અને તળાવોમાં નવા નીરની આવક થવા પામી છે. ઉપરવાસમાં વરસાદ થતા કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વણાકબોરી વિયરમાં પાણીની આવક થવા પામી છે.
વણાકબોરી ડેમ થયો છલોછલ: કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી નદી પરના વણાકબોરી ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે કડાણા ડેમમાંથી 5500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.જેને કારણે પાણીની આવક થતાં વણાકબોરી ડેમ છલોછલ થયો છે. ડેમ સો ટકા ભરાયો છે. હાલ વણાકબોરી ડેમની સપાટી 220 ફૂટ છે. પરંતુ વધુ પાણીનો સંગ્રહ કરવા દીવાલ ઉપર પ્લાસ્ટિકની બેગો મૂકી બે ફૂટ જેટલી સપાટી વધારવામાં આવી છે.
મહીસાગર નદી અને કેનાલમાં પાણી છોડાયું: વણાકબોરી ડેમ સો ટકા ભરાતા ડેમનું લેવલ જાળવવા ડેમના બે દરવાજા ખોલી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. વણાકબોરી ડેમમાંથી 3500 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમજ 2000 ક્યુસેક પાણી મહીસાગર કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.
ખેડૂતોમાં આનંદની લાગણી: વણાકબોરી ડેમમાંથી ખેડા જીલ્લામાં ખેડુતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવાય છે. ત્યારે ડેમમાં નવા નીરની આવક થતાં ડેમ છલોછલ ભરાતા ખેડૂતો સહિત જીલ્લાવાસીઓમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. હવે વર્ષ ભર ખેડુતોને ખેતી માટે આ ડેમમાંથી પાણી મળી રહેશે.