ખેડા: જીલ્લાના કપડવંજના ઘડીયા ગામે મહીસાગર જીલ્લાના કનુભાઈ પટેલ નામના રોડ કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કપડવંજ પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. કનુભાઈ પટેલના મૃતદેહ પાસેથી પોલિસને સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં કામ થઈ ગયા હોવા છતા 4 કરોડ 72 લાખથી વધુની બાકીની રકમ ન ચુકવાતા આર્થિક ભીંસમાં હોવાથી આપઘાત કર્યો હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. સુસાઈડ નોટમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના નામનો પણ ઉલ્લેખ કરાયો છે. જેને આધારે કપડવંજ પોલિસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝાડની ડાળીએ લટકી આત્મહત્યા: કપડવંજના નાની ઝેર થી ઘડિયા રોડ પર ખેતરમાં ઝાડની ડાળીએ દોરડા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે એકઠા થયેલા ગ્રામજનો દ્વારા પોલિસને જાણ કરતા કપડવંજ ગ્રામ્ય પોલિસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલિસ દ્વારા મૃતકની ઓળખ કરાતા મહીસાગર જીલ્લાના થાંભા ગામના કનુભાઈ સોમાભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે. જેઓ ખેડા જીલ્લામાં માર્ગ મકાન વિભાગના રોડ કોન્ટ્રાક્ટના કામ કરતા હતા. પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સ્યૂસાઈડ નોટમાં અનેક ખુલાસા: પોલિસને કનુભાઈના મૃતદેહ પાસેથી સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં કનુભાઈ દ્વારા ખુલાસા કરવા સાથે આત્મહત્યાનું અંતિમ પગલું ભરવાનું કારણ પણ જણાવ્યુ છે. સ્યૂસાઈડ નોટમાં તેમના દ્વારા રોડના કામ કરવામાં આવ્યા હતા તેના બિલના કુલ રૂ.4,72,50,000 બાકી છે. જે અનેક વિનંતિઓ અને પ્રયત્ન કરવા છતાં ન મળતા આર્થિક ભીંસ હોવાથી અન્ય કોઈ રસ્તો ન હોઈ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યુ છે. સ્યૂસાઈડ નોટમાં કોન્ટ્રાક્ટરો તેમજ કપડવંજ માર્ગ મકાન વિભાગ સ્ટેટના અધિકારીઓના નામનો પણ ઉલ્લેખ કરી તેમના દ્વારા આત્મહત્યા કરવા મજબૂર કરાયો હોવાનું જણાવાયુ છે.
પોલિસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ: આ બાબતે કપડવંજ ડીવાયએસપી વી.એન. સોલંકીએ જણાવ્યું હતુ કે, પોલીસને સવારે મોઢું ઢાંકેલી હાલતમાં ઝાડની ડાળીએ ગળાફાંસો ખાધેલી હાલતમાં કનુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.તેમના પરિવારજનોને જાણ કરતા તેઓ અહી આવી પહોંચ્યા હતા. તેમના ભાઈ વિનોદભાઈ પટેલ પાસે જાણવા મળ્યું કે, કનુભાઈ પટેલ રોડ કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હતા. મજુરો પાસે કામ કરાવી રોડ બનાવતા હતા. કપડવંજના અમુક વિસ્તારો તરફ તેમની રોડની કામગીરી ચાલુ હતી.
12મી તારીખે ઘરેથી તેઓ નીકળ્યા ત્યારે કહ્યું હતું કે, "કપડવંજ તરફ મારૂ કામ ચાલે છે હું ત્યાં જઉં છું. મારે બિલોનું પણ કામ છે. ત્રણ ચાર દિવસ જેવું લાગશે." તેમ કહી ઘરેથી નીકળ્યા હતા. પરંતુ ત્રણ દિવસથી તેમનો ફોન બંધ આવતો હતો. તેમના ઘરના બધા જ લોકો પણ ચિંતામાં હતા. આજે પોલીસનો ફોન ગયો ત્યારે તેમના પરિજનોને જાણ થયેલી કે આ રીતની ઘટના બનેલ છે. તેમના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવેલ છે. એમાં તેમણે 'ડેપ્યુટી ઈજનેર કડીયા સાહેબ'નું નામ લખેલ છે. બીજા શ્રીરામ બિલ્ડર્સ સાથે પણ તેમને આર્થિક વ્યવહારો હોવાનું જણાવ્યું છે. આ સુસાઇડ નોટને તપાસના કામે કબજે લેવામાં આવેલ છે. પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે.