અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર બે કેદીઓ વચ્ચે થયેલી મારામારીનો કરુણ અંજામ આવ્યો છે. જેમાં નહાવા માટે થઈને માથાકૂટમાં એક કેદીએ બીજા કેદી ના માથામાં ઈંટ મારી દેતા કેદી ને ગંભીર ઈજા થઈ હતી, અને તે કેદીને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જ તે કેદીનું મૃત્યુ નીપજ્યું હતું.
ઘટના કેવી રીતે બની: પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે સાબરમતી સેન્ટ્રલ જેલના બડા ચક્કર વિસ્તારમાં ચાર નંબર યાડ પાસે કેશાજી પટેલ નહાવા માટે ગયા હતા . કેશાજી પટેલ સાબરમતી જેલમાં હત્યાના પ્રયાસ અંગેના ગુનાના આરોપી તરીકે સજા ભોગવી રહ્યા હતા. તેમને બડા ચક્ર વિસ્તારમાં રાખવામાં આવ્યા હતા. અહીંયા બીજા કેદી પણ હાજર હતા અને નાહવા માટે બધા ભેગા થયા હતા. તે સમયે અહીંયા અગાઉ આર્મીમાં ફરજ બજાવી ચૂકેલા લાન્સ નાયક ભરત પ્રજાપતિ પણ નાહવા માટે આવ્યા હતા.આ સમગ્ર મામલે હાલ રાણીપ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ જેલ તંત્ર દ્વારા પણ આ દિશામાં તપાસ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે.
આરોપીની ધરપકડ: નાહવા માટે થયેલી તકરારના કારણે મામલો ઉશ્કેરાયો હતો અને ભરત પ્રજાપતિ અને કેશાજી વચ્ચે મોટો ઝગડો ચાલુ થઈ ગયો હતો. થોડી જ વારમાં આ વાત હિંસક બની અને ભરત પ્રજાપતિએ કેશાજીના માથામાં ઈંટ ફટકારી હતી. જેના કારણે તેમને ગંભીર ઇજા થઈ અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા .વહેલી સવારે બનેલી આ ઘટના બાદ રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી ભરત પ્રજાપતિ ની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.