ગાંધીનગર: આટલી બધી પૂર્વભૂમિકા વાંચીને તમને અંદાજ તો આવી જ ગયો હશે કે આપણે શેની વાત કરીએ છીએ. હા, ઢોકળાંની જ વાત કરીએ છીએ. આજે આપણે ગુજરાતના સર્વપ્રિય અને નિર્દોષ આહાર ઢોકળાં વિશે વાત કરીશું.
નરેન્દ્ર મોદીએ પણ અહીંનાં ઢોકળાં ચાખ્યાં? આપણી ગુજરાતની રાજધાની ગાંધીનગર અને પૂજા પાર્લરનાં ઢોકળાં એકબીજાના પર્યાય ગણાય છે. સેક્ટર 21 ખાતે એક ભોંયરામાં આવેલી આ નાનકડી દુકાન એટલી પ્રખ્યાત છે કે આખો દિવસ વરાળ નીકળતાં ગરમાગરમ ઢોકળાં એની આઇકૉનિક લીલી ચટણી અને લસણની ઓછી તીખી પરંતુ ટેસ્ટી લાલ ચટણી સાથે આપવામાં આવે છે. નજીકમાં જ સચિવાલય આવેલું હોવાથી ટોચના મંત્રીઓ અને અધિકારીઓ પણ અહીંથી ઢોકળાં મંગાવે છે. ઑફ ધ રેકૉર્ડ એક વાત કહું? આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીંનાં ઢોકળાં ચાખ્યાં હોય તો એની કોઈ નવાઈ નહી હોં.
સૌથી વધુ ઢોકળાં પ્રખ્યાત: આ દુકાનમાં અલગ-અલગ જાતનાં ગરમ ફરસાણ મળે છે, પરંતુ સૌથી વધુ ઢોકળાં પ્રખ્યાત છે. ખૂબ સૉફ્ટ હોય છે આ પીળાં ઢોકળાં. તેને ઉપર તેલ નાખીને ગરમાગરમ જ પીરસવામાં આવે છે.
ઢોકળાં વઘારીને ચા કે દૂધ સાથે ખવાય: ગુજરાતમાં તો લગ્નપ્રસંગોમાં ઢોકળાંના કાઉન્ટર વગર જમણવાર અધૂરો ગણવામાં આવે છે. પહેલાં ઢોકળાં ઘરે બનતાં હતા. કુકરમાં ખીરું પાથળેલી થાળી મૂકીને બાફીને ગરમાગરમ તેલ સાથે તેને ખવાય છે. બીજા દિવસે ઠરેલાં ઢોકળાં વઘારીને ચા કે દૂધ સાથે ખવાય છે. પરંતુ હવે તો ઢોકળાં ગ્લોબલ થઈ ગયાં છે. ઢોકળાની આટલીબધી લોકપ્રિયતા અને ઘરની થાળીમાંથી એક સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત થવાનું કારણ એ છે કે એ હંમેશાં ગરમાગરમ અપાય છે. એ બીજા ફરસાણની જેમ તળવાના બદલે બાફીને બનાવાય છે.
ભાવનગરના ભડવીરે ગાંધીનગર વાસીઓને લગાડ્યો ઢોકળાનો ચસ્કો: પૂજા સ્નેક્સના સંચાલક કૃણાલ વ્યાસે જણાવ્યું કે, હું પોતે કાઠીયાવાડી છું. મારા પિતા ભાવનગરથી ગાંધીનગર આવ્યા હતા. ઘરમાં મારા પપ્પા સૌથી મોટા હતા એટલે ઘરની જવાબદારી તેમના ખભે હતી. એમણે ઘર ચલાવવા માટે ઘણી બધી નોકરીઓ કરી પણ છેલ્લે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ ચાલતી હતી ત્યારે મારા પપ્પાને વિચાર આવ્યો કે હવે મારે નોકરી નથી કરવી. મારા પપ્પાની દીર્ઘદ્રષ્ટિને પરિણામે આજે અમારો પરિવાર હોટેલ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા છીએ.
"ચાલશે" એ શબ્દ જ્યારથી ધંધામાં આવ્યો ત્યારથી ધંધો નહીં જ "ચાલે" : મારા પિતાનો પહેલેથી જ એક નિયમ હતો કે જે સારું ખવડાવી શકે એનો ધંધો ચાલે. મારા પિતાને ખાવાનો બહુ શોખ હતો. તેમનું માનવું છે કે, સારામાં સારી રો મટીરીયલ એટલે સારામાં સારા પ્રોડક્ટનો ઉપયોગ કરીએ તો તેમાંથી સારામાં સારું ફૂડ બને છે. કારણ કે જો રો મટીરીયલ સારું ન હોય તો પછી સારું ભોજન પણ બનતું નથી. મારા પપ્પાનો હંમેશા નિયમ રહ્યો કે જે આપણાં ઘરના લોકો ખાઈ શકે એવી જ વસ્તુ તમામ લોકોને ખવડાવવી જોઈએ. આઅજ એમના વિચાર અને સિદ્ધાંત હતા. આથી જ્યારથી અમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મૂક્યો છે ત્યારથી ફૂડની ક્વોલિટી જાળવી રાખી છે.
સિદ્ધાંતો વિશે વાત કરતાં તે કહે છે કે, "ચાલશે" એ શબ્દ જ્યારથી ધંધામાં આવે ત્યારથી ધંધો નહીં "ચાલે". ધંધો હોય કે જીવન સારામાં સારું વાપરો અને સારામાં સારું બનાવો અને સારામાં સારું વેચો. સમય જતા ગાંધીનગર સેક્ટર 21માં પૂજા પાર્લરની શરૂઆત થઈ ત્યારે પાવભાજી, પુલાવ, પીઝા, સમોસા આ બધું મેનુમાં મૂકાતા હતા.
કૃણાલભાઈને પોતાના લગ્ન રિસેપ્શનમાંથી ઢોકળા વેચવાનો વિચાર આવ્યો: કૃણાલભાઈએ જણાવ્યું કે, મારા લગ્ન 2005માં થયા હતા. લગ્ન રિસેપ્શનમાં ઢોકળાનું કાઉન્ટર રાખવામાં આવ્યું હતું. ગુજરાતી ઢોકળા બનાવવા માટે રાજકોટથી કારીગર બોલવામાં આવ્યા હતા. રિસેપ્શનમાં સૌથી વધુ વખાણ ઢોકળાના થયા હતા. મારા પપ્પાએ આ બાબતનું અવલોકન કર્યું અને પછી વિચાર આવ્યો કે આપણે પણ ઢોકળા બનાવવાનું શરૂ કરવું જોઈએ. અને ત્યારબાદ ઢોકળા બનાવવાનું શીખ્યો અને વેચવાનું શરૂ કર્યું. ઢોકળાનો સ્વાદ ગાંધીનગર વાસીઓના દાઢે એટલો બધો વળગ્યો કે આજે પણ ગાંધીનગરમાં ઢોકળાનો પર્યાય પૂજા પાર્લર બન્યું છે.
ઢોકળાના સ્વાદનું રાઝ ચટણીમાં છુપાયું છે: ઢોકળા બનાવવામાં તો ચોખા, વિવિધ દાળ અને પરંપરાગત મસાલાઓનો ઉપયોગ જ થાય છે. પરંતુ ઢોકળાના સ્વાદનું રાઝ બે ચટપટી ચટણીમાં છુપાયું છે. એક આપણે કોથમીર-મરચાની ગ્રીન ચટણી અને બીજી લાલ મરચું અને લસણની લાલ ચટણી. આ ચટણીનો ચટપટો સ્વાદ પૂજા પાર્લરના ઢોકળાને વધુ મજેદાર બનાવે છે.
કૃણાલભાઈએ હંમેશા પરંપરાગત સ્વદેશી પીણાને પ્રોત્સાહન આપ્યું: કૃણાલભાઈ અને તેમના પિતાએ હંમેશા ભારતીય સ્વદેશી પીણાઓને પ્રોત્સાહન આપ્યું છે. કારણ કે બોટલ બંધ કાર્બોનેટ પીણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આ પીણાઓ સામે તેમણે ભારતના પરંપરાગત પીણાઓ જેવા કે છાશ, લીંબુ શરબત, મિલ્ક શેક, લસ્સી વગેરેને પ્રોત્સાહન આપ્યું છે. પૂજા પાર્લરમાં બનતા કોઈપણ ઠંડા પીણામાં પ્રીજરવેટીવ અને કલર તેઓ ઉમર્ત્ય નથી.
ગ્રાહકોના મનપસંદ ઢોકળાં: અમદાવાદના બોપલથી ગાંધીનગર ઢોકળા ખાવા માટે આવેલા ગ્રાહક રવિ ત્રિવેદીએ જણાવ્યું કે, હું કોલેજ સમયથી પૂજા પાર્લરમાં નિયમિત ઢોકળા ખાવા આવું છું. તેનો સ્વાદ ખૂબ જ સારો છે. અમે અહીના દહીપુરી, સેવપુરી, વડાપાવ અને ઢોકળા ખાધા છે. જ્યારે જાનવી ઓઝાએ જણાવ્યું કે, અમે અમદાવાદથી ખાસ પૂજા પાર્લરમાં નાસ્તો કરવા માટે આવીએ છીએ. અને છેલ્લા પાંચ વર્ષથી પૂજા પાર્લરમાં ઢોકળાના અમારા મનપસંદ છે. નિધિ સોનિએ જણાવ્યું કે, હું મારા પરિવાર સાથે દેહગામથી ઢોકળા ખાવા માટે આવું છું. જ્યારથી પૂજા પાર્લર ચાલુ થયું ત્યારથી અમે અહીં ઢોકળા ખાઈએ છીએ.