ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિકના નિયમનું પાલન થતું ન હોવાના મુદ્દે કડક વલણ દાખવ્યું હતું. રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને આદેશ આવ્યો છે.
હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાત પણે કરાવવામાં આવે અને પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે. હાઇકોર્ટે ટકરો કરી હતી કે હજુ લોકો હેલ્મેટ પહેરતા નથી. દ્રિચક્રી વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટ લઇને બેદરકારી રાખશો નહી, ફરજિયાત પાલન કરાવો. એટલું જ નહી પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કર્યો હતો.
15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ. અધિકારીઓ મનસ્વી વર્તશે તો ચલાવી લેવામાં નહી આવે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી થઈ શકે નહીં. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે.
સમગ્ર પ્રકરણમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાઇકોર્ટના માર્ગદર્શન અનુસાર સરકાર કામ કરે છે. હાઇકોર્ટના ડીટેલ રિપોર્નો અભ્યાસ કરવામાં આવશે. હાઇકોર્ટની નોંધ વાંચ્યા બાદ તે અંગે કોઈ કોમેન્ટ કરવી યોગ્ય ગણાશે. હાઇકોર્ટનો માર્ગદર્શન વાંચ્યા વગર તેના વિશે કોઈ કોમેન્ટ કરવી અયોગ્ય છે.