દમણ: અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાતમાં પણ અયોધ્યામાં થઈ રહેલી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સંદર્ભેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણના તીન બત્તી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પ્રાંગણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં હવન, મહા આરતી, મહા પ્રસાદ તથા ભજન જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.
મોટી સંખ્યામાં લોકો જોડાયા: આ પ્રસંગે દાદરા નગર હવેલી દમણ દીવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ, દમણ નગર પાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા, પૂર્વ સાંસદ ગોપાલ ટંડેલ સહિત લોકો હવન અને આરતીનો લાભ લીધો હતો. આ અવસરે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ દમણના દલવાડા ગામમાં પણ સંઘ સાથે જોડાયેલા નવીન પટેલની આગેવાનીમાં ભગવાન રામની વાજતે-ગાજતે શોભા યાત્રા કાઢવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં પણ સેલવાસ સહિતના તમામ સ્થળોએ ભગવાન શ્રીરામ ના આગમનને વધાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સમગ્ર પંથકમાં ભક્તિનો માહોલ: રાત્રે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ લીધો હતો. બીજી તરફ દમણના ડાભેલ વિસ્તારમાં દાદરા નગર હવેલી દમણ દીવ ભાજપના સચિવ જીગ્નેશ પટેલની આગેવાનીમાં હવન, બાઈક રેલી તથા મહા પ્રસાદનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન પ્રદેશના તમામ મુખ્ય રસ્તા પર જય શ્રી રામના નારાથી વાતાવરણને રામમય બનાવી દેતા સમગ્ર પંથકમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.