અમદાવાદઃ ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની મુસ્લિમ બિરદરો દ્વારા ઈદે મિલાદ ઉનનબી તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે ઈદે મિલાદ ઉન નબીના દિવસે અમદાવાદ શહેરમાં જશ્ને ઈદે મિલાદ ઉન નબી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અને ઈદે મિલાદ ઉન નબી સેન્ટ્રલ કમિટી દ્વારા જુલુસ અમદાવાદમાં કાઢવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ખુબ ભવ્યતાથી જુલુસઃ આ અંગે ઈદે મિલાદ-ઉન-નબી સેન્ટ્રલ કમિટીના અધ્યક્ષ તસનીમ આલમ બાવા તિર્મીઝીએ જણાવ્યું છે કે, પયગંબર મોહમ્મદના જન્મદિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઈદે મિલાદન નબીનું જુલુસ કાઢવામાં આવ્યું હતું અને અમદાવાદમાં પણ ખુબ જ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. અમદાવાદના જમાલપુર દરવાજાથી 3 વાગ્યે જુલુસની શરૂઆત થઈ હતી.
જુલુસની શરૂઆત જગન્નાથ મંદિરના મહંતે કરાવીઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઈદે મિલાદ-ઉન-નબીના જુલુસની શરૂઆત જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે લીલી ઝંડી બતાવીને કરી હતી. અમદાવાદમાં કુરૈશ ચોક જુલુસ પૂર્ણ થયો.
જુલુસમાં નેતાઓ પણ થયા શામેલઃ આ પ્રસંગે વિપક્ષ નેતા શહેઝાદ ખાને બધાને ઈદ મિલાદ-ઉન-નબીની શુભેચ્છા પાઠવી હતી અને શાંતિ અને ભાઈચારા સાથે તહેવારની ઉજવણી કરવાની અપીલ કરી હતી.
આ સાથે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે આજે જગન્નાથ મંદિરના મહંત દિલાપદાસજી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં ઈદે મિલાદ-ઉન-નબીનું ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાનો સંદેશો આપવામાં આવ્યો હતો.