સુરત : સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવનાર મહિલા પોલીસે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે તેમના જ સહ પોલીસ કર્મચારી અને પ્રેમી કોન્સ્ટેબલ પ્રશાંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો પરંતુ લગ્નની બાબતને લઈ બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેના કારણે મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે જે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે પ્રશાંત વિરુદ્ધ દુષ્કર્મ સાથે આપઘાતની દુષ્પ્રેરણા અંગે ફરિયાદ નોંધી છે.
ગત 18 માર્ચે કર્યો હતો આપઘાત: મહિલા પોલીસ હર્ષા બેન ચૌધરી સિંગણપોર પોલીસ મથકમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવતા હતા. 18મી માર્ચના રોજ તેઓએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેની તપાસ પોલીસે શરૂ કરી હતી આપઘાત પહેલા હર્ષા એ એક સુસાઇડ નોટમાં લખ્યું હતું કે 'હું જિંદગીથી કંટાળી ગઈ છું. સાથે તેને લખ્યું હતું કે,કોઈના ઉપર વિશ્વાસ ન કરવો.. સ્યૂસાઈડ નોટ મળ્યા પછી પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. હર્ષા સ્યૂસાઈડ કેસમાં જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે, છેલ્લા ત્રણ વર્ષ થી પોતાની સાથે કામ કરનાર પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત સાથે પ્રેમ સંબંધમાં હતી. બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી લગ્નને લઈ વિવાદ સર્જાયો હતો.
પ્રેમી પ્રશાંતનું નિવેદન: આ વચ્ચે પ્રશાંત ડાંગ પોતાના વતન જતા રહેતા બંને સંપર્ક વિહોણા થયા હતા. જેથી હર્ષાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃત્યુ પહેલાં હર્ષાએ પ્રશાંતને અનેક વાર કોલ પણ કર્યા હતા. સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવનાર પ્રશાંત 10 દિવસ પહેલા જ પોતાના વતન ગયો હતો. પ્રશાંતે પોલીસને જણાવ્યું હતું કે, બાઈક સ્લીપ થવાના કારણે તેને ઇજાઓ થઈ હતી જેથી તે ડાંગ પોતાના વતન આવી ગયો હતો. ત્યાં નેટવર્ક ઓછું હોવાના કારણે તે સંપર્કમાં નહોતો.
આરોપી પોલીસકર્મી સામે ગુનો: આ સમગ્ર મામલે ડીસીપી પિનાકીન પરમારએ જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલ પ્રશાંતની પૂછપરછ કરવામાં આવી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા અને શારીરિક સંબંધ પણ બંધાયા હતા. હર્ષા એ લગ્ન નહીં થવાના કારણે આ પગલું ભર્યું. હર્ષાની માતાએ આરોપી પ્રશાંત વિરૂધ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ ફરિયાદ બાદ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે મૃતકની માતાએ જે પણ ફરિયાદ નોંધાવી છે, તેના આધારે પોલીસે 306,406 અને 376 કલમ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.