ભાવનગર: જિલ્લામાં એક RTO નંબરથી ત્રણ ખાનગી બસો દોડતી હોવાનું અને ટેક્સ ચોરી કરતા ભેજાબાજોને ભાવનગર LCB પોલીસ દ્વારા ઝડપી પાડ્યા છે. ત્રણેય બસો ક્યાં સ્થળ પર છે તેની બાતમીના આધારે LCB પોલીસે ત્રણેય બસો કબ્જે લઈને ભાવનગર LCB કચેરીએ લાવીને ખરાઈ કરતા આ સમગ્ર પોલ ખુલી હતી. આ મામલે પોલીસે ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી બે શખ્સો ઝડપાઇ ગયા છે.
ભાવનગર LCBએ ખોલી પોલ: ભાવનગર LCB પોલીસને બાતમી મળી હતી કે એક જ નંબરથી ત્રણ ખાનગી બસો દોડી રહી છે, જેના પગલે LCB પોલીસે પાલીતાણા ગજેતી રોડ પર ગેરેજમાં રહેલી બસ, સિહોર સિદ્ધિ વિનાયક હોટલ પાસે રહેલી ખાનગી બસ અને ભાવનગર લીમડા ટ્રાવેલ્સના કમ્પાઉન્ડમાં પડેલી ખાનગી બસોને કબ્જે લીધી હતી. આ ત્રણેય ખાનગી બસમાં એક જ નંબર (AR 06 B 6732) હોવાનું સામે આવ્યું હતું. આથી LCB પોલીસે ત્રણેય બસોને કબજે લઈને વધુ તપાસ કરતા ત્રણ શખ્સો આમાં સામેલ હોવાનું જણાયું હતું.
3 લોકો સામે ફરિયાદ: ભાવનગર LCB પોલીસે ત્રણેય બસ કબ્જામાં લીધા બાદ તપાસ કરતા અને દસ્તાવેજી પુરાવા ચકાસતા આ બસો આશાપુરા ટ્રાવેલ્સના માલિકીની હોવાનું જણાયું છે અને રજીસ્ટર્ડ નમ્બર પણ તેમના નામે છે. જ્યારે પાલીતાણાના દિલાવર ટ્રાવેલ્સ અને ભાવનગર લીમડા ટ્રાવેલ્સના સંચાલકો ખોટા દસ્તાવેજ બનાવી બસોનો ઉપયોગ કરીને ટેક્સ ચોરી આચરતાં. બસના માલિક જયરાજ ચૌહાણે તેમના નકલના કાગળો દિલાવર ટ્રાવેલ્સના માલિક અને લીમડા ટ્રાવેલ્સના માલિકને આપ્યાં હતા. આમ સમગ્ર મામલાનો ભાંડો ફૂટતા ભાવનગર LCB પોલીસે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો હતો.
બે ટ્રાવેલ્સ સંચાલક ઝડપાયા, 1 પકડથી દૂર: આ મામલે લીમડા ટ્રાવેલ્સના શબ્બીરભાઈ રજાકભાઈ મહેતરને અને સિહોરના ટ્રાવેલ્સના વ્યવસાય કરતા જયરાજસિંહ બોઘાજી ચૌહાણને ઝડપી લીધા છે. જ્યારે દિલાવર ટ્રાવેલ્સના માલિકને ઝડપવાના બાકી છે. પોલીસે ત્રણેય બસ સાથે કુલ મુદ્દામાલ 20 લાખનો કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટેક્સ ચોરી માટે એક બસનો ટેક્સ ચૂકવી ત્રણ બસો ચલાવવામાં આવતી હોય અને સરકારની ટેક્સ ચોરી કરતા આવા ઈસમો સામે ફરિયાદના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.