તાપી: તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતમાં કોન્ટ્રાક્ટરો દ્વારા વર્ષ 2019 થી 2023 દરમિયાન આશ્રમ શાળાઓમાં રેન વોટર હારવેસ્ટિંગ માટે ફાળવાયેલ અંદાજે નવ જેટલા કામોમાં 44.95 લાખથી વધુની રકમ કામ કર્યા વગર જ જુના કામના રંગરોગણ કરી ફોટા પાડી સરકારી નાણાં ઉસેટી લીધા હતા. જે અંતર્ગત વ્યારા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ અધિક મદદનીશ ઇજનેર દ્વારા વ્યારા પોલીસ મથકને ફરિયાદ અપાઈ હતી. જેમાં વ્યારાના બે કોન્ટ્રાકટર કે.એ.સોલંકી અને રાજુભાઈ હિંગડે વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
![તાપી જિલ્લા પંચાયત કચેરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-07-2024/gj-tapi-rural-01-taluka-panchayat-byte-photo-story-10082_17072024005034_1707f_1721157634_470.jpg)
અધિક મદદનીશ ઈજનેરો સસ્પેન્ડ: વ્યારા પોલીસ મથકે તાલુકા પંચાયતને ગેરમાર્ગે દોરી વિશ્વાસઘાત ઠગાઈ કરતા ગુનો દાખલ કરાયો છે. ગુનો નોંધી વ્યારા પોલીસે બંને કોન્ટ્રાક્ટરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં તાપી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ જ કેસમાં ડુપ્લીકેટ કામ પ્રકરણમાં ચાર જેટલા અધિક મદદનીશ ઈજનેરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં હજુ ઘનિષ્ટ તપાસ કરવામાં આવે તો હજુ મોટા માથાઓ બહાર આવે એમ છે.
![વ્યારા પોલીસ મથક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-07-2024/gj-tapi-rural-01-taluka-panchayat-byte-photo-story-10082_17072024005034_1707f_1721157634_627.jpg)
બંન્ને એજન્સી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ: આ મામલે તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નરવડે માહિતી આપી હતી કે તાપી જિલ્લાના પ્રાયોજના વહિવટદાર એ મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કચેરી વ્યારાને નવ કામ માટે કુલ 45 લાખ અને અન્ય કામ માટે 15 લાખની મંજૂરી આપેલ હતી. આ કામનો ઈજારો જુદી જુદી એજન્સીને આપવામાં આવેલો હતો. જે પૈકી કે.એ.સોલંકીના કુલ 5 કામ તથા રાજુભાઈ હિંગડેના કુલ 2 કામની તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવતા આ કામો પહેલા થઈ ગયેલા હોવાનું તપાસ કમિટીના ધ્યાને આવતા અને તેના ફોટોગ્રાફ એક સરખા જણાતા આ કામનું ડુપ્લીકેટરેશન થયું હોવાનું જણાયું હતું. જે બાદ આ બંન્ને એજન્સી વિરૂદ્ધ તાલુકા પંચાયત કચેરી દ્વારા વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ઈપિકો કલમ 406, 409 અને 420 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ એજન્સીએ આશરે 35 લાખની ઉચાપત કરેલ હતી. તે નાણાં તેઓ તરફ થી તાલુકા પંચાયતમાં જમાં કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સદર પ્રકરણમાં રેનવોટર હારવેસ્ટિંગ કામોની ફાઈલ થતાં બાંધકામ વિભાગમાં જે ફાઈલ રાખવામાં આવતી તે ફાઈલો ન મળી આવતા સદર જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.