બનાસકાંઠા: જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામમાં આજે વહેલી સવારે અચાનક જ ગામના ભગવાનભાઈ રબારી પર રીંછે હુમલો કર્યો હતો. જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભગવાનભાઈ રબારીને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
યુવક પર રીંછે કર્યો હુમલો: રીંછના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભગવાનભાઈ રબારીને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમની પાલનપુર હોસ્પિટલમાં અત્યારે સારવાર ચાલી રહી છે. ઈકબાલગઢ નજીક વન્ય અભયારણ આવેલું છે, જેમાં રીંછોનો વસવાટ છે. ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓ નજીક આવેલા બાલુન્દ્રા ગામમાં અચાનક આજે રીંછ આવી પહોંચ્યું હતું અને વહેલી સવારે ગામના ભગવાનભાઈ રબારી પર હુમલો કર્યો હતો. હુમલામાંથી લોકોએ બચાવી તેમને લોહીલુહાણ હાલતમાં પાલનપુર સિવિલમાં સારવાર માટે લવાયા હતા.
ગામમાં ભયનો માહોલ: ગામના વ્યક્તિ પર રીંછના હુમલાબાદ ગામ લોકો સહિત આસપાસના ગામના લોકોમાં પણ રીંછનો ભય ફેલાયો છે. સ્થાનિક લોકો દ્વારા આ અંગે વન વિભાગને પણ જાણ કરાઈ છે. જોકે આ ગામ જેસોર વન્ય અભયારણ્ય નજીક હોવાથી ઘણીવાર રીંછ ગામમાં અને ખેતરોમાં આવી જતું હોય છે, ત્યારે ગામ લોકો પણ તકેદારી રાખે તે જરૂરી બન્યું છે. જોકે પરિજનોએ રીંછનો ભય વ્યક્ત કર્યો હતો.
લોકોને તકેદારી રાખવા સૂચના: આ અંગે આરએફઓને ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જે વ્યક્તિ પર હુમલો થયો છે તેમનું ખેતર જેસોર વન્ય અભયારણ્ય બોર્ડર પર છે. જેઓ કુદરતી હાજતે ગયા હતા અને તેવામાં રીંછ દ્વારા હુમલો કરાયો હોવાની માહિતી છે. જોકે હાલના સમયમાં રીંછના બચ્ચા જન્મવાનો (મેટિંગ પિરિયડ) સમય હોઈ ત્યાંથી નીકળતા સમયે આ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. અમારા દ્વારા ગ્રામસભાઓમાં લોકોએ તકેદારી રાખવા વિવિધ સૂચનો કરવામાં આવે છે. છતાં લોકો તેનું ઘણીવાર પાલન ન કરતા આવી ઘટનાઓ બનતી હોય છે. જોકે સરકાર તરફથી ઈજાગ્રસ્તને જે વળતર મળવા યોગ્ય હશે તે આપીશું.