સુરતઃ સુરતમાં વરસાદ અને વીજળીને પગલે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિનું મોત થયાનું સામે આવ્યું છે. આ કારણે તે વ્યક્તિના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઘરની બહાર નીકળતા દરમિયાન તેમના પર વીજળી પડી હતી અને તેમને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે ત્યાં તેમનું મૃત્યુ થયાની માહિતી સામે આવી છે.
સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં મેઘરાજાની બ્રેકની વાતો વચ્ચે વધુ એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સતત બે દિવસથી કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે. છુટો છવાયો વરસાદ ગાજવીજ સાથે વરસી રહ્યો છે. ત્યારે વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. સુરત શહેરમાં વીજળી પડવાથી એક વ્યક્તિના મોતના સમાચાર પણ સામે આવ્યા હતા.
સુરત શહેરના પાલ વિસ્તારમાં રહેતા અને મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતા 35 વર્ષે યુવક કડાકા ભડાકા સાંભળી ઘરની બહાર નીકળતા અચાનક આકાશમાંથી વીજળી પડી હતી. જેને લઈને યુવક બેભાન થઈ ગયો હતો. તેઓને તુરંત સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યો હતો. યુવકનું મોત થતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. બનાવને પગલે પાલ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પણ વીજળી પડવાથી બે પશુઓના મોત થયા છે.