રાજકોટ: ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે આવેલી ભાદર નદીમાં વહેલી સવારે એક યુવકે નદીના પુલ પરથી પાણીમાં કૂદકો લગાવી આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી મળી છે. આ બનાવમાં પ્રાથમિક અને સૂત્રો પાસેથી મળતી માહિતીઓ અનુસાર આ યુવકે આપઘાત કરતા પહેલા કોઈ અન્ય વ્યક્તિને ફોન કે મેસેજ દ્વારા જાણ કરી અને પોતે આપઘાત કરી રહ્યો હોવાની માહિતી આપી હતી. જો કે આ બનાવવાની જાણ થતા સ્થાનિક તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને યુવકની શોધખોળ શરૂ કરી છે.
યુવકે નદીમાં લગાવી છલાંગ: ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસેની ભાદર નદીમાં વહેલી સવારે એક યુવક દ્વારા મોટર સાયકલ પુલ પર રાખી અને નદીના પાણીમાં કૂદકો લગાવી આત્મહત્યા કરી લીધી હોવાની બાબત સામે આવી હતી, ત્યારે આ ઘટના અંગેની જાણ થતા સ્થાનિક લોકો અને તંત્ર વેગડી ગામની ભાદર નદી ખાતે દોડી આવ્યું હતું. જ્યાં સ્થાનિક તલાટી મંત્રી, ધોરાજી મામલતદાર, ધોરાજીનું વિવિધ તંત્ર અને એસ.ડી.આર.એફ.ની ટીમ પણ દોડી આવી હતી. અહિં સવારની બનેલી આ ઘટનામાં એસ.ડી.આર.એફ.ની ટીમના તરવૈયાઓ દ્વારા આ યુવકને શોધવા માટેની તજવીજ હાથ કરી છે. જો કે હજુ પણ આ યુવકનો મૃતદેહ કે કોઈપણ પ્રકારની ભાળ મળી નથી. આ સાથે તંત્ર દ્વારા હજુ પણ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.
યુવકની શોધખોળ શરૂ: આ બનાવમાં સૂત્રો પાસેથી મળતી માહિતીઓ અનુસાર આ યુવક ધોરાજી શહેરના શ્રીનાથજી સોસાયટીમાં રહેતો હતો. તેની ઉંમર 26 વર્ષ અને તેનું નિકુંજ અગ્રાવત હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી રહી છે. જેમાં આ યુવકે પોતાના મિત્ર કે કોઈ અન્ય સગા સંબંધીને ફોન અથવા મેસેજથી જાણ કરી પોતે આપઘાત કરી રહ્યો હોવાનું જણાવી વેગડી ગામની ભાદર નદીના પુલ પરથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હોવાની માહિતી સામે આવી છે. જો કે આ ઘટનાની અંદર યુવકની ભાળ કે મૃતદેહ મળે તે બાદ સત્ય હકીકત અને બનાવનું મૂળ કારણ સહિતની વિસ્તૃત વિગતો સામે આવશે. ત્યારે હાલ આ મામલે તંત્ર દ્વારા યુવકની ભાળ અને શોધખોળ કરવા માટેની ઊંડાણપૂર્વક કામગીરી હાથ કરવામાં આવી છે.