અમદાવાદઃ આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણે જાણીએ અમદાવાદના રુપા મહેતા વિશે. રુપા મહેતાએ પોતાના જીવનના 50 વર્ષો ફિલ્મો, મીડિયા અને નાટકને આપ્યા છે. તેમને મીડિયામાં પોતાની કારકિર્દી દરમિયાન અનેક ઉતાર ચઢાવ જોયા છે. તો ચાલો આપણે મળીએ દૂરદર્શન અમદાવાદના પૂર્વ ડાયરેક્ટર રૂપા મહેતાને.
નાટકથી કરી શરુઆતઃ 1960માં જન્મેલ રુપા મહેતાએ માત્ર 13 વર્ષે જ નાટ્ય ક્ષેત્રે પ્રથમ પગલું ભર્યુ હતું. જેમાં પરિમા, જોન ઓફ આર્ક અને સરદાર પટેલ નાટકના મુખ્ય પાત્રો આજે સાઈઠ વર્ષેય તેમની રગરગમાં પૂરજોશમાં અવિરત વહી રહ્યા છે. તેમના ખડખડાટ, મુક્ત હાસ્યમાં સરદારની જિંદાદિલી, સ્વચ્છ નિર્મલ આખોની ગહેરાઈમાં ‘પરિમા’ અને દ્રઢ વાણી વિચારમાં ‘જોન ઓફ આર્ક’ બિલકુલ તરોતાજા છે. રમેશચંદ્ર અને નિર્મલાબહેનના બંને પરિવારો વિદ્યાલક્ષી રહ્યા હોવાથી તેમની દીકરી રુપા જેટલુ ભણ્યા તેથી વધારે વ્યવહારુ ગણ્યા પણ ખરા, મા-બાપ બંને વૈચારિક ક્રાંતિકારી તે દીકરીઓને સામાજિક રીતરસમ કે વ્યવહારિક બંધનમાં સ્ત્રી ચોકઠે ઢાળ્યા નહી, દીકરા-દીકરીના ભેદ વગર ઉછેર્યા. માવતરે સંપૂર્ણ સ્વાતંત્રતાના દ્વાર ખોલી આપ્યા.
1989માં દૂરદર્શનમાં જોડાયાઃ રૂપા મહેતા કારકિર્દીની શરૂઆતમાં ઈસરોમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે જોડાયા હતા. બાદમાં યુપીએસસી દ્વારા તેમની પસંદગી દૂરદર્શનમાં થતાં તેઓ 1989થી દુરદર્શન માં જોડાયા હતા. 2020માં દુરદર્શનથી નિવૃત્ત થયા હતા. ટીવી મીડિયા ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવનાર રૂપાબેન મહેતાને શરૂઆતમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. રૂપાબેન જ્યારે ટેલીવિઝનમાં જોડાયા ત્યારે મહિલાઓને ભૂમિકા ખૂબ જ સીમિત હતી. ટેલીવિઝનમાં કારકિર્દીની શરૂઆત દરમિયાન આઉટડોર જવાનું ખૂબ જ થતું હતું. ટેલીવિઝનમાં મહિલાઓ માટે પરિવાર અને પ્રોફેશન્સ વચ્ચે બેલેન્સ રાખવું ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ રૂપાબેનને તેમના પરિવારનો અને તેમના પતિનો ખૂબ જ સહકાર મળ્યો છે.
16 કિલોનું વીસીઆર ઉપાડીને રીપોર્ટિંગ કર્યુઃ રૂપાબેન જ્યારે ઈસરોમાં જોડાયા ત્યારે તેઓ 16 કિલોગ્રામ વજન ધરાવતું વીસીઆર ઉપાડીને કામ કરતા હતા. તેમના પ્રોડ્યુસર કેમેરો લેતા હતા અને તેમણે ભારે ભરખમ વીસીઆર ઉપાડવું પડતું હતું. આ બધી ચેલેન્જનો સામનો કરીને પણ તેઓ ઈસરોમાં ટકી રહ્યા હતા. સ્ત્રી હોય કે પુરુષ જો તમને તમારો વ્યવસાય ખૂબ જ સારી રીતે આવડતો હોય તો તમને કોઈ રોકી શકતું નથી. શરૂઆતમાં બધાને એવું લાગતું હતું કે આ છોકરી શું કરશે ???
1989ની ચૂંટણીમાં આખી રાત રીપોર્ટિંગ કર્યુઃ રૂપાબેને વર્ષ 1989ની ચૂંટણીઓ કવર કરી હતી. તે વખતે બેલેટ પેપર પર મતદાન થતું હોવાથી મત ગણતરી કરતા આખી રાત અને આખા દિવસ નીકળી જતા હતા. રૂપાબેને આખી રાત મત ગણતરીની અપડેટ આપ્યા હતા. સ્ત્રીઓએ સતત પોતાની જાતને સાબિત કરતા રહેવું પડે છે. મહિલાઓએ ઘર અને નોકરીના સ્થળે પોતાની જાતને સતત કાર્યક્ષમ સાબિત કરવી પડે છે. ટેલીવિઝન અને મીડિયામાં નિર્ણાયક પદો ઉપર મહિલાઓની ભૂમિકા ખૂબ જ ઓછી છે. અમદાવાદ દૂરદર્શનમાં પ્રોગ્રામિંગમાં આજે એક પણ સ્ત્રી નથી. અમદાવાદ દૂરદર્શનમાં મહિલા અધિકારી તરીકે જોડાનાર રૂપાબેન પહેલા હતા. તત્કાલીન ડાયરેક્ટરનો તેઓ મત હતો કે દુરદર્શનમાં સ્ત્રીઓ જોઈતી જ નથી. દુરદર્શન જૂના સમયમાં પુરુષ પ્રધાન માધ્યમ હતું. પુરુષ કર્મચારીઓને કોઈ મહિલા કર્મચારી ઉપરી અધિકારી હોય તો ગમતું નથી.
મહિલા કર્મચારી પણ એટલી જ અગત્યનીઃ કોરોના લોકડાઉનમાં સૌથી વધારે નોકરી ગુમાવવાનો વારો સ્ત્રીઓનો આવ્યો છે. જ્યારે કંપનીઓમાં છટણી આવે ત્યારે તેનો સૌથી પહેલો ભોગ સ્ત્રીઓ બને છે. કેટલીક વાર દલીલ કરવામાં આવે છે કે સ્ત્રી પાસે નોકરી નહીં હોય તો ઘર ચાલશે પરંતુ પુરુષ પાસે નોકરી નહીં હોય તો ઘર કેવી રીતે ચાલશે. આ ખોટી દલીલ છે. ઘણા બધા ઘરો સ્ત્રીઓને જવાબદારીથી પણ ચાલતા હોય છે. હાલની મોંઘવારીમાં તો સ્ત્રી પુરુષ બંને કામાતા હોય તો જ ઘર ચાલે. સમાજમાં સિંગલ વુમનનું ચલણ સતત વધતું જાય છે. ગુજરાતમાં ઘણા એવા અખબારો હતા કે જે મહિલા પત્રકારોને નોકરીએ રાખતા ન હતા. પરંતુ હવે આ પરિસ્થિતિમાં ફેરફાર થયો છે. પત્રકારત્વ સંસ્થાઓમાં સૌથી વધુ અભ્યાસ કરનારી મહિલાઓ છે. અભ્યાસ બાદ ફિલ્ડમાં મહિલા પત્રકારોને નોકરી શોધવામાં મુશ્કેલ પડે છે.
2002ના તોફાનોમાં ઓન ડયૂટીઃ 2002માં અમદાવાદમાં વિકરાળ કોમી તોફાનો થયા હતા ત્યારે સમાજમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે દૂરદર્શને પ્રોગ્રામ બનાવ્યો હતો. શાહ આલમના રોઝા પર દુરદર્શનને કાર્યક્રમ બનાવ્યો હતો. અમદાવાદમાં શાહ આલમ અને નરસિંહ ભગત બંને પાકા મિત્ર હતા. બંનેએ વિચાર્યું કે આપણે મિત્રતા યાદ રહે તેવું આપણે શું કરીએ. બંનેએ નક્કી કર્યું કે જે પહેલા મરી જાય તેની માટે યાદગાર કાર્ય કરવું. આજે શાહ આલમના રોજા પર એક દીવડો છે ત્યાં પહેલા દીવા પ્રગટે છે અને બાદમાં લોબાન થાય છે. 2002ના રમખાણો બાદ જ્યારે સમાજમાં બે કોમ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ થયું ત્યારે રૂપા મહેતાએ "દોસ્તીનો દીવો" કાર્યક્રમ બનાવ્યો હતો. આ દોસ્તીના દીવામાં શાહ આલમ અને નરસિંહ ભગતની દોસ્તીની વાત કરવામાં આવી હતી. રૂપાબેન મહેતા જ્યારે નેધરલેન્ડમાં તાલીમ લેવા ગયા ત્યારે તેમના ઈરાની શિક્ષકે આ પ્રોગ્રામ જોઈને દંગ રહી ગયા હતા. ઈરાની શિક્ષકે જણાવ્યું કે, તમારા દેશમાં આજે પણ સુંદર સુફી પરંપરા જળવાઈ રહી છે. નેવુના દશકામાં અમદાવાદમાં કોમી રમખાણનું રિપોર્ટિંગ કરનાર એકમાત્ર મહિલા પત્રકાર રૂપાબેન હતા. દુરદર્શનના દરેક પુરુષ પત્રકારોએ રમખાણોની વચ્ચે જઈને રિપોર્ટિંગ કરવાનો ઈનકાર કર્યો હતો ત્યારે રૂપાબેનને નાની બાળકી હોવા છતાં તેમણે હિંમત કરીને રમખાણ ગ્રસ્ત વિસ્તારોમાં રિપોર્ટિંગ કર્યું હતું. તેઓ પોલીસ રક્ષણ વગર બંને કોમના વડાઓના સંદેશ લેવા ગયા હતા. તત્કાલીન ગૃહ પ્રધાને રૂપાબેનની કામગીરીને બિરદાવી હતી.
સ્પોર્ટ્સ જર્નાલિસ્ટઃ દુરદર્શનમાં રૂપાબેન મહેતાએ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે પણ ખૂબ કામ કર્યું હતું. તેમણે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, મને સર્વ પ્રથમ ક્રિકેટ રિપોર્ટિંગ સોંપવામાં આવ્યું હતું. મને ક્રિકેટમાં કશી ગતાગમ પડતી ન હતી. સોસાયટીમાં રહેતા વડીલ ક્રિકેટના ખૂબ જ શોખીન હતા. તેમણે રૂપાબેનને કાગળ ઉપર ક્રિકેટ રમતા શીખવાડ્યું અને તેમાંથી રૂપાબેન ક્રિકેટનું રિપોર્ટિંગ કરતા થયા હતા. રૂપાબેને લંડન ઓલમ્પિક 2012માં પણ રિપોર્ટિંગ કર્યું હતું. 2012ના વર્ષમાં ઓલમ્પિક્સ અંતર્ગત વિદેશ હતા ત્યારે તે જાપાન દૂરદર્શનથી વધારે પ્રભાવિત થયા હતા. સહયોગી જાપાનીઝ મિત્રો કેવી આગોતરી તૈયારી કરતા તે વાત મમળાવતા રુપા મહેતા કહે છે કે, મૅરીકૉમ ફાઈનલમાં પહોંચી ત્યારે જો મૅરીકૉમ જીતે તો તરત જ તેના ગામ, ઘર, મિત્રો વગેરેની આગોતરી તૈયારી કરી ડોક્યુમેન્ટરી બનાવી દીધી હતી. ઓછા સ્ટાફ દ્વારા કેવું ઉત્તમ કામ આયોજનબદ્ધ રીતે કરી શકાય તે વાતથી તેઓ ખુબ પ્રભાવિત થયા હતા.
બોર્ડમાં દીકરી હોવા છતાં વિદેશ પ્રવાસઃ રૂપાબેનની દીકરી જ્યારે ધોરણ 12માં બોર્ડની પરીક્ષામાં હતી ત્યારે તેઓ હોલેન્ડ 3 માસના અભ્યાસ માટે ગયા હતા. તેથી રૂપાબેન મૂંઝવણમાં મુકાયા હતા. તેમને વિચાર આવ્યો કે દીકરીને ધોરણ 12ની પરીક્ષા હોવાથી હોલેન્ડ જવું કે નહીં ત્યારે તેમની દીકરીએ હિંમત આપતા જણાવ્યું કે મમ્મી તમે જાવ મારી ફિકર કરતા નહીં.
દુરદર્શનના પ્રોગ્રામ અધ્યક્ષઃ વર્ષ 2014થી 2020 સુધી રૂપાબેન દુરદર્શનના પ્રોગ્રામ અધ્યક્ષ રહ્યા હતા. આ 6 વર્ષ સૌથી વધુ પડકાર જનક રહ્યા હતા. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. અનેક દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહું અમદાવાદ આવ્યા હતા. વૈશ્વિક નેતાઓની અમદાવાદ મુલાકાત વખતે દૂરદર્શન સહિતની મીડિયા પ્રસારણની તમામ જવાબદારીઓ રૂપાબેને બખૂબી નિભાવી હતી.
મહિલાઓને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા મળવાના હિમાયતીઃ આજે સમાજમાં રાજકીય લોકો પોતાના ફાયદા માટે સ્ત્રી વિરોધી કાયદાઓ લાવવા સરકાર પર દબાણ કરે છે. જેમ કે પ્રેમ લગ્ન કરવા માટે વાલીની સહમતી ફરજિયાત કરવા અંગે કેટલાક સમાજો માંગણી કરે છે. પરંતુ ભારતીય બંધારણ અનુસાર 18 વર્ષથી વધુ ઉંમરની દીકરી તેના જીવન અંગેના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. કેટલાક લોકો સમાજના નામે ઘડિયાળના કાંટાઓ પાછા ફેરવવા માંગે છે. આપણી કુસ્તી બાજ બહેનોને ન્યાય અપાવવામાં આપણે ક્યાંકને ક્યાંક પાછા પડ્યા છે. જે આરોપી જાતીય સતામણી માટે જવાબદાર હતો. તેને સરકારે સજા ન જ કરી આપણા સમાજની માનસિકતા હજુ પણ ક્યાંક ને ક્યાંક સ્ત્રી વિરોધી છે. કારણ કે જ્યારે સ્ત્રીઓ વિરુદ્ધ અત્યાચાર થાય ત્યારે આપણે દોષ તેના કપડામાં તેના રહેશે અને તેની જીવનશૈલીમાં શોધીએ છીએ કેટલાક માધ્યમોએ કુસ્તી બાંધ બહેનોને બદનામ કરવાના પણ પ્રયાસ કર્યા જે ખૂબ જ નિંદનીય છે. દેશભરમાં ચકચારી બનેલા બિલ્કીશબાનું બળાત્કાર કેસમાં આરોપીઓને જેલમાંથી છોડવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓનું ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આવા કાર્યક્રમોથી સમાજમાં ખૂબ જ ખરાબ સંદેશ ગયો છે. જોકે તમામ આરોપીઓને સુપ્રીમ કોર્ટે ફરીથી જેલ ભેગા કર્યા છે.
મહિલાઓ પર નિયંત્રણ યોગ્ય નથીઃ કેટલાક ધર્મગુરુ આજે આધુનિક જમાનામાં પણ સ્ત્રીઓ પર નિયંત્રણો રાખવા માંગે છે. કેટલાક મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને સ્ત્રીઓએ પ્રવેશ ન કરવો તેવા બોર્ડ લાગ્યા છે. મનુસ્મૃતિના નિયમોને ફરીથી સમાજ પર થોભી બેસાડવાના પ્રયાસો આપણા સમાજમાં આજે પણ થઈ રહ્યા છે. આમ રૂપા મહેતાએ સ્ત્રીઓ પ્રત્યેના પોતાના વિચારો ખૂબ જ બેબાકીથી રાખ્યા હતા.