બનાસકાંઠા: જ્યારે દેશ માટે આઝાદીની ચળવળ શરૂ થઈ અને અંગ્રેજોને દેશ બહાર ભગાડવા ક્રાંતિકારીઓ પોતાનું બલિદાન આપી રહ્યા હતા, એ સમય એટલો સરળ ન હતો. દેશ જ્યારે આઝાદ થયો ન હતો ત્યારે શહેરી વિસ્તારો તેમજ મોટા ગામોમાં ગણતરીના ઘરોમાં જ રેડિયો હતા. ગામડાં સુધી વિજળી પહોંચી ન હતી. રાત્રે અંધારે અટવાતા લોકો ગામ ચોરે બેસી ગપાટા મારતા હતા. ત્યારે એમને પણ સમાચાર જાણવાની ખુબ જ આતુરતા હતી. નજીકના મોટા ગામડાઓથી કોઈ સમાચાર લાવે તેની વાટ જોતા મધ્યરાત્રિ સુધી લોકો રાહ જોતા હતા.
લોકોમાં ઉત્સાહનો માહોલ: ભારત આઝાદ થયાના સમાચાર રેડિયા ઉપર સાંભળી પાલનપુર, ડીસા અને મોટા ગામોના લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. લોકોએ દીવડાઓ પ્રગટાવ્યા, રાત આખી લોકો જાગતા રહ્યા. મહોલ્લા, શેરીઓમાં ટોળે ટોળાં ફરવા લાગ્યાં અને શહેરના તેમજ મોટા ગામોના આગેવાનો 15 ઓગસ્ટના કાર્યક્રમો તૈયાર કરવામાં રોકાયા. નાના-મોટા સૌમાં જબરજસ્ત ઉત્સાહ હતો. રાતો રાત કંદોઈઓ દુકાનો ખોલીને પતાસા બનાવવામાં રોકાયા. દરજીઓની દુકાનો ખોલાવી અડધી રાતે રાષ્ટ્રધ્વજો તૈયાર કરાવ્યા. સરકારી તેમજ ખાનગી મકાનો રોશનીથી શોભી ઉઠ્યા. ઉમંગમાં લોકોએ ફટાકડા ફોડયા. આતશબાજી કરી હતી.
એ સમયે ગણતરીના ગામોમાં શાળાઓ હતી. ત્યાં શેક્ષકોએ પ્રભાતફેરી, ધ્વજવંદન, રમતગમત હરિફાઈઓ જેવા કાર્યક્રમો યોજ્યા. વાલી-દાતા તરફથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પતાસા વહેંચ્યા. પાલનપુર શહેરમાં વહેલી સવારે પ્રભાતફેરી કાઢવામાં આવી. જેમાં શહેરના યુવાન-બાળકો સૌ ઉમટી પડયા હતા જોકે આ પહેલાં મધ્યરાત્રિએ મશાલ સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.
આઝાદીનુ સૌ પ્રથમ ધ્વજવંદન માણેકચોકમાં: પ્રભાતફેરીની સૌથી આગળ હાથમાં રાટ્રધ્વજ લઈ કાંતિલાલ મુળચંદ ઝવેરી ઘોડા પર બેઠા અને “આઝાદ ભારત અમર રહો'ના સૂત્રો સાથે પ્રભાતફેરી આખા પાલનપુર શહેરમાં ફરી હતી અને તે સમયે પાલનપુર મ્યુનિસિપાલિટીના પ્રમુખ મહંમદભાઈ ક્લદાર તેમજ જિલ્લાના આગેવાન અને 'લોકસંઘ'ના પ્રમુખ ડાહ્યાલાલ મણિલાલ મહેતાના હાથે આઝાદીનુ સૌ પ્રથમ ધ્વજવંદન માણેકચોકમાં કરાયું હતું.
પ્રભાતફેરીનું સુંદર આયોજન: પાલનપુર નવાબ તાલે મહમદખાનજીએ પાલનપુરની પ્રજાજોગ ખાસ શુભેચ્છા સંદેશ પાઠવ્યો. રાજ્યમાં ત્રણ દિવસની રજા જાહેર થઈ. ડીસામાં તે સમયે ગાંધીવાદી વિચારસરણી ધરાવતા શંકરભાઈ ભગવાનભાઈ સોલંકી આયોજનપૂર્વક વ્યવસ્થિત વ્યાયામશાળા ચલાવતા હતા. તેઓએ પ્રભાતફેરીનું સુંદર આયોજન કર્યું. ડીસા શહેરમાં “આઝાદી અમર રહો'ના નારા સાથે રાષ્ટ્રધ્વજ સહિત જબરજસ્ત પ્રભાતફેરી નીકળી હતી. તેમજ ડૉ. સરદારસીંગ ઠાકુર, શાંતિલાલ સ્વરૂપચંદ શાહ વગેરે આગેવાનોએ ભેગા મળી કાર્યક્રમનું આયોજન કર્યું. ગાંધીચોકમાં શહેરનું ધ્વજવંદન કરવામાં આવ્યું.
પાલનપુર-ડીસાના નગરજનો તેમજ ગામડાના ગ્રામજનોએ આ દિવસને પોતાનો મહામૂલો અવસર ગણીને મનમૂકીને જિંદગીભર યાદ રહી જાય તે રીતે માણ્યો. આજે આપણે ભલે બનાસકાંઠાના વિકાસનાં ગુણગાન ગાતા હોઈએ પણ મારી દૃષ્ટિએ આઝાદી પછીના પંદર વર્ષ સુધી એટલે કે ૧૯૬૨ સુધી બનાસકાંઠાએ જે સમય જોયો છે એ સુવર્ણ સમય હવે જોવા મળે તેમ લાગતું નથી.