ભરૂચ: જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. ભરૂચ તાલુકાના પાદરિયા ગામ નજીક વીજળી પડતા 3 લોકોના મોત થયા હતા અને હાંસોટમાં વીજળી પડતા 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
7 યુવાનો પર વીજળી પડી: ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ભરૂચ તાલુકાના પાદરીયા ગામ નજીક વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા 7 જેટલા યુવાનો પર વીજળી પડી હતી. જેમાં 3 યુવાનના મોત થયા હતા અને 2 યુવાનો દાઝી જતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર 3 મૃતકોમાં 2 યુવાનો ચોરંદા ગામના અને 1 યુવાન કરણ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
વીજળી પડતા માછીમારનું મોત થયું: વીજળી પડવાની વધુ એક ઘટના હાંસોટ તાલુકામાં પણ બની હતી. હાંસોટ તાલુકાના અંભેટા ગામ નજીકથી પસાર થઈ રહેલા માછીમારો પર વીજળી પડી હતી. જેમાં હાસોટના નવીનગરીમાં રહેતા 28 વર્ષીય સુનીલ વસાવાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય માછીમારો દાઝી જતા તેઓને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની તપાસ હાંસોટ પોલીસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: