સુરતઃ વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના શુભ દિને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી, મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૪૨ પી.એચ.ડી. તથા ૪ ને એમ.ફિલ.ની પદવીઓ એનાયત થઈ હતી. પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ કરીને, પદવીદાન સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ એક વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ નર્મદ યુનિ.માં એમ.એ. (પોલિટિકલ સાયન્સ)નો બે વર્ષ એક્ષ્ટર્નલ અભ્યાસ કરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોના તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક સાથેના સમારોહનો ભવ્ય શુભારંભ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
વિનમ્ર બનાવે તે જ્ઞાનઃ દીક્ષાંત પ્રવચન કરતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ‘વિનમ્ર બનાવે તે જ્ઞાન’ વિધાન થકી નવયુવાનોને ભારતીય પરંપરાથી અવગત થવા સાથે ઉચ્ચ શૈક્ષણિક પદવી પ્રાપ્ત કરી સમાજ અને દેશના હિતમાં સેવાકાર્ય કરવા પ્રેરિત કર્યા હતા. મંત્રીએ ‘વિદ્યા વિનયથી શોભે’ કહેવતનું દ્રષ્ટાંત આપી વિદ્યાર્થીઓને વિનમ્ર અને વિવેકી બનવાની શીખ આપી હતી. ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં 'सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः' સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા એનો ઉલ્લેખ કરી તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.
સુશિક્ષિત હોવું પુરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતાં તેમણે ઉમેર્યું કે, માત્ર ભૌતિક ડિગ્રીના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન ન થઈ શકે. મન, વચન અને કર્મથી સંસ્કારિત, શિક્ષિત બની આપણે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ લોકોની સેવા અને સુખાકારી માટે કરવો જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત રાજ્ય સરકારે ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 'શ્રીમદ્દ ભગવદ્ ગીતા'ને સામેલ કરીને જીવનમૂલ્યોના પાઠ ભણાવી બાળકોને દ્રઢ નિશ્ચયી, સંસ્કારી અને કર્મશીલ બનાવવાના ધ્યેયની મંત્રીએ છણાવટ કરી હતી.
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું નિર્માણ કરવા આહ્વાનઃ તેમણે માનવીયતાના અભિગમ સાથે મેળવેલું શિક્ષણ જ દેશની ઉન્નતિ-પ્રગતિનો પાયો છે એમ જણાવી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે અને તે સૌનું ભલું કરવાની ભાવના ધરાવે છે. પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ જ્ઞાન છે, ત્યારે એકજૂથ થઈ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણની દિશામાં આગળ વધવા આહ્વાન કર્યું હતું.
નર્મદ યુનિ.ના પૂર્વ કુલપતિ અને હાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ રિસર્ચ (યુનિવર્સિટી ફોર ઇનોવેશન-ગાંધીનગર)ના લોકાયુક્ત તરીકે કાર્યરત પ્રો.રમેશચંદ્ર કોઠારીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક છે. કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા જણાવ્યુ હતું.
તેમણે ઉમેર્યું કે, વિજ્ઞાન વિદ્યાશાખામાં ગુજરાતના વિદ્યાર્થીઓનો ઝુકાવ વધે તે જરૂરી છે. સમાજ-રાજય અને રાષ્ટ્રને નવલોહિયા યુવાઓ પાસે ખુબ મોટી અપેક્ષાઓ છે. યુવાશક્તિને સતત અભ્યાસથી કારકિર્દીને નિરંતર ઉજ્જવળ બનાવવાનો પુરૂષાર્થ જ સફળતાના શિખર સુધી લઈ જશે. વિદ્યાર્થીઓએ જ્ઞાનને હંમેશા તાજું રાખવા, મનમસ્તિષ્કને સતત રિફ્રેશ રાખવું જોઈએ. અભ્યાસ સિવાયનું વાંચન, લેખન જીવનમાં કારકિર્દી ઘડતર માટે ખૂબ મહત્વનું છે એમ જણાવી પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી.
કુલપતિ ચાવડાએ શું કહ્યું? વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવતા કુલપતિ ડો. કે.એન. ચાવડાએ ઉપસ્થિત યુવાધનને નવા પડકારો માટે સુસજ્જ રહેવા સમાજ અને દેશના હિતમાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને આપણા ભવ્ય વૈદિક વારસાને અનુસરવા અને પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રનાં નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાની હિમાયત કરી હતી. તેમણે ભારત સરકારના NAD-નેશનલ એકેડેમિક ડિપોઝીટરી તેમજ ડિજીલોકરમાં આ તમામ ડિગ્રીઓ અપલોડ કરવામાં આવી હોવાની વિગતો આપી યુનિવસિર્ટીએ પારદર્શી શિક્ષણ પ્રક્રિયા અને મેનેજમેન્ટથી શિક્ષણ જગતમાં આગવી ઓળખ ઉભી કરી હોવાનું ઉમેર્યું હતું.
અમદાવાદના ચાંદખેડામાં યોજાઈ "સંવિધાન સભા", ગુજરાત ન્યાય યાત્રા સમાપ્ત થઈ - Gujarat Nyay Yatra