સુરત: જિલ્લામાં પાલિકાના પાપે જનજીવનની સાથે સાથે તહેવારોના દિવસોમાં વેપાર- ધંધાને પણ મોટી અસર થઈ હોવાના છુપા રોષ કાપડ વેપારીઓમાં દેખાઈ રહ્યો છે. કારણ કે, છેલ્લા ત્રણ દિવસથી સારોલી, પુણાગામ અને ગોડાદરા વિસ્તારમાં આવેલી 50થી 50 માર્કેટ બંધ સ્થિતિમાં છે. જયારે ખાડી પૂરના પાણી મુખ્ય રસ્તાઓ પર ફરી વળ્યા હોવાથી સારોલી-કડોદરા રોડ પર આવેલા 250થી વધુ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રિંગરોડની 150થી વધુ માર્કેટોમાંથી પણ ગુડ્ઝ પાર્સલ ડિસ્પેચ થઈ શક્યા નથી. જેને લીધે બીજા રાજ્યની મંડીમાં ગુડ્ઝ પાર્સલ મોકલવામાં મૂશ્કેલી ઉભી થઈ છે.
500 કરોડનો કાપડ વેપાર ખોરવાયો: આમ, ખાડી પૂરને કારણે સુરતમાં 500 કરોડનો કાપડ વેપાર ખોરવાયો છે. શુક્રવારથી ભલે પાણી ઓસરવાના શરૂ થયા હોય પરંતુ કાપડ વેપારીઓને સંજોગો સામાન્ય કરતાં હવે પાંચેક દિવસ લાગી શકે તેમ છે. શહેરમાં દર વર્ષે ખાડી પૂરની આવતી હોવા છતાં પાલિકા તંત્ર આ મુસીબતમાંથી બચવાનો રસ્તો શોધી રહ્યું નથી. પાલિકાએ કરોડોનો ધૂમાડો કરી કરાવેલી ડ્રેજિંગની કામગીરી ફક્ત કાગળ પર જ હોય તેમ હાલની ખાડી પૂરની સ્થિતિ જોતા આભાસ થઈ રહ્યો છે.
પ્રતિદિન 150થી 200 કરોડને વેપારને અસર: ફોસ્ટાના પ્રમુખ કૈલાશ ભાઈએ જણાવ્યું હતુ કે, ટ્રાન્સપોર્ટના ગોડાઉન આવ્યાં છે, તે સારોલી- કડોદરા રોડ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાથી ગુડ્ઝ પાર્સલ ડિસ્પેચ કરી શકાયા નથી. સામાન્ય રીતે પ્રતિદિન 250થી 300 કરોડના પાર્સલ ડિસ્પેચ થાય છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં 150થી 200 કરોડના ગુડ્ઝ પાર્સલ ડિસ્પેચ થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન બીજા રાજ્યની મંડીમાં મોકલાતા પાર્સલ ડિસ્પેચ નહીં થઈ શક્તા સુરતમાં અંદાજે 500 કરોડનો વેપાર ખોરવાયો છે.